સાબરમતીમાં મહિલા ડોક્ટર સાથે ફ્લેટ બુકિંગના નામે 7.70 લાખની છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સાબરમતીમાં રહેતાં ક્રિષ્નાબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે નવું મકાન ખરીદવું હોવાથી ચાંદખેડા ખાતે ભૂમિ ડેવલપર્સના ભાગીદાર મેહુલ પટેલ તથા પરેશભાઈનો સંપર્ક કર્યો હતો. બંનેએ જણાવ્યંુ કે, ત્રાગડ ખાતે ઉસ્તવ વે નામની સ્કીમ મૂકી છે, જેમાં દિવ્યાંગ પટેલ અને પરેશ પટેલ ફ્લેટનું વેચાણ કરી રહ્યો છે. આથી ક્રિષ્નાબેને ત્યાં જઈ મકાન બુક કરાવ્યું હતું અને વેચાણ લખાણ પણ કર્યો હતો, જેમાં બાના પેટે 7.70 લાખ ચૂકવી આપ્યા હતા.
બાકીની લોન કરાવી હોવાથી આ લોકોએ જ લોનના પેપર તૈયાર કરી લોન પાસ કરાવી દીધી હતી. જોકે થોડા સમય પછી ક્રિષ્નાબેનને જાણવા મળ્યું હતું કે, તેમણે બુક કરાવેલું મકાન કોઈ અન્ય વ્યક્તિને વેચી દેવાયું છે. આથી ક્રિષ્નાબેને ચારેયને ફોન કરીને પૈસા પરત માગ્યા હતા. જોકે આ ચારેય પૈસા પરત આપવા ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં ક્રિષ્નાબેનને મેહુલ પટેલ, પરેશ બેન્કર, દિવ્યાંગ પારેગી અને પરેશ પટેલ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.