મોરબી જિલ્લામાં બુટલેગરો દ્વારા ગેરકાયદે દારૂની ઘૂસણખોરી વધી રહી છે. આ ઘુસણખોરીને કાબુમાં લેવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મોરબી રોડ પરથી પસાર થતા મીની ટ્રક કન્ટેનરને પોલીસે ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની 4452 બોટલ જપ્ત કરી હતી. પોલીસે 19 લાખથી વધુ દારૂનો જથ્થો ઝડપ્યો હતો. વાહન સહિત 24.16 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન હળવદ મોરબી રોડ પર એક મીની ટ્રક બંધ બોડીનું કન્ટેનર ઉભું હતું. જેમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં ટ્રકમાં તલાશી લેતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.
જે મીની ટ્રકમાં રહેલા દારૂની ગણતરી કરતા ઓલ સીઝન વ્હીસ્કી બોટલ નંગ 612 કિંમત રૂ. 3,67,200, મેકડોવેલ્સ વ્હીસ્કી બોટલ નંગ 1752 કિંમત રૂ. 6,57,000, મેઝીક મોમેન્ટ ગ્રીન એપલ ફેલ્વાર વોડકા નંગ 1020 કિંમત 3,36,600, રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ 1068 કિંમત રૂ. 5,55,360 મળીને કુલ રૂ. 19,16,160ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. મીની ટ્રક કિંમત રૂ. 5 લાખ સહિત કુલ રૂ. 24,16,160નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. આ તમામ મુદ્દામાલ હળવદ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે. ૉ

