ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના ચંદ્રપૂર જિલ્લામાં બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ તૂટી ગયો છે.. આ દરમિયાન અનેક મુસાફરો પુલ પરથી નીચે પડ્યા છે જેમાં લગભગ 20 મુસાફરો ઘાયલ થયા છે જેમાંથી 8ની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
બ્રીજની ઊંચાઈ 60 ફૂટ હતી. તેમજ ઘટના સમયે લોકો ત્યાંથી પસાર થઇ રહ્યા હતા.એટલે 60 ફૂટ ઉપરથી લોકો નીચે પટકાયા હતા અને રેલવે ના પાટા પર પડ્યા હતા. આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા છે અને 8 લોકોની હાલત ગંભીર છે. ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે અને ઘાયલો ને હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યાં છે.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું કે રેલવેએ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને રૂ. 1 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ. 50,000નું વળતર આપવાની જાહેરાત કરી છે.

બલ્લારશાહ સ્ટેશન પર કાઝીપેટ-પુણે એક્સપ્રેસમાં ચઢવા માટે ઘણા મુસાફરો પ્લેટફોર્મ નંબર એકથી પ્લેટફોર્મ નંબર ચાર તરફ જઈ રહ્યા હતા ત્યારે સાંજે 5.10 વાગ્યે આ ઘટના બની હતી. અચાનક બ્રિજની વચ્ચેના સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે ત્યાંથી પસાર થતા મુસાફરો પાટા પર પડી ગયા હતા.
બલ્લારશાહ રેલ્વે સ્ટેશન એ તેલંગાણા રાજ્ય તરફ જતા માર્ગ પર ચંદ્રપુર જિલ્લામાં છેલ્લું જંકશન છે. 2014 માં, બલ્લારશાહ રેલ્વે સ્ટેશનને દેશના નંબર-1 રેલ્વે સ્ટેશનનું બિરુદ મળ્યું. તે સમયે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર હતી.