યુક્રેન પર રશિયાનો હવાઈ હુમલો ! હોસ્પિટલમાં એક નવજાતનું મોત, માતા અને ડૉક્ટરને કાટમાળથી સુરક્ષિત કઢાયા બહાર
રશિયાના હવાઈ હુમલાઓથી યુક્રેનને સતત નુકસાન થઈ રહ્યું છે. આ વખતે રશિયા તરફથી છોડવામાં આવેલી મિસાઈલનું નિશાન નવજાત શિશુ બની ગયું હતું. યુક્રેનના દક્ષિણી ઝાપોરિઝ્ઝ્યા પ્રદેશમાં પ્રસૂતિ વોર્ડ પર રશિયન હુમલા બાદ એક નવજાત બાળકનું મૃત્યુ થયું છે. આ હુમલામાં મેટરનિટી વોર્ડની બે માળની ઈમારતને સંપૂર્ણ નુકસાન થયું હતું.
રેસ્ક્યુ ટીમે જણાવ્યું કે આ વોર્ડ ઝાપોરિઝ્ઝ્યા ક્ષેત્રના વિલ્નિઆસ્ક શહેરમાં છે. મિસાઇલ હુમલા દરમિયાન એક મહિલા નવજાત બાળક સાથે બિલ્ડિંગમાં હતી. બાળકની માતા અને એક ડોક્ટરને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયા પર તેમના દેશમાં આતંક અને હત્યાનો આરોપ લગાવ્યો હતો.

