વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી રૂ. 1,275 કરોડના આરોગ્યલક્ષી સુવિધાઓના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા, આ તબક્કે મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમે આરોગ્યની સુવિધામાં વધારો કરવા જરૂરી એવી સર્જરી-દવાઓ-સારસંભાળ દ્વારા રાજ્યની સમાજ વ્યવસ્થાને સુદ્રઢ કરી છે, અવ્યવસ્થારૂપી બીમારીઓને દૂર કરવા મુક્તિયજ્ઞ આદર્યો છે, ભ્રષ્ટાચાર ઉપર કાતર ફેરવવી એ મારી સર્જરી હતી.
ગુજરાત મેડિકલ-ફાર્મા અને બાયોટેક રિસર્ચમાં સમગ્ર દુનિયામાં પરચમ લહેરાવશે, એ દિવસો હવે દૂર નથી. ‘વન અર્થ, વન હેલ્થ’ મિશનથી કામ કરીશું તો વિશ્વમાં સુખાકારી વધશે.
વિશ્વમાં સૌથી એડવાન્સ ટેક્નોલોજી, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હવે અમદાવાદમાં ઉપલબ્ધ થયું છે, અમદાવાદ આજે મેડિકલ ટૂરિઝમનું હબ બન્યું છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજથી 20-25 વર્ષ પહેલાં ગુજરાતને છ બીમારીએ જકડી રાખ્યું હતું, આરોગ્ય ક્ષેત્રે પછાતપણું, શિક્ષણમાં કુ-વ્યવસ્થા, વીજળીનો અભાવ, પાણીની તંગી, ચારેતરફ કુશાસન અને કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ હતી, આ બધાના મૂળમાં વોટબેંકની રાજનીતિ હતી, જૂની પેઢીના લોકોને આ વાત સારી રીતે યાદ છે, પહેલાં ગુજરાતમાં સારવાર માટે બહાર ભટકવું પડતું હતું, વીજળી માટે રાહ જોવી પડતી, ભ્રષ્ટાચાર ખદબદતો હતો, પરંતુ ગુજરાત આજે બધી બીમારીને પાછળ છોડી સૌથી આગળ ચાલી રહ્યું છે.
ગુજરાતના લોકોએ પીડા વેઠી છે, જોકે ડોક્ટરોની માફક જ અમે ગુજરાતની વ્યવસ્થા સુધારવા હિંમત સાથે સર્જરી કરી છે.

