મોરબી હળવદ રોડ પર આવેલ મોરબી તાલુકાના ઘૂંટુ ગામમાં છેલ્લા કેટલાય સમયથી પેપરમીલો ધમધમી રહી છે અને તેમાંથી નીકળતા દુર્ગંધયુક્ત પાણી અને હવાના કારણે ગ્રામજનોને ગંભીર બીમારીનો ભય સતાવી રહ્યો છે. આ મુદે અગાઉ ગ્રામજનોએ રજુઆત કરતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ બે મહિના અગાઉ એક પેપરમિલના માલિકોને કારણદર્શક નોટિસ ફટકારી હતી અને પેપરમિલ ધારકોને ખુલાસો આપવા સૂચના આપી હતી જોકે આ નોટિસ આપ્યા બાદ આગળ કાર્યવાહી થઈ કે કેમ તે અંગે કોઈ ફોલોઅપ લેવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો જેથી આ બાબતે ફરીવાર ગામના જાગૃત નાગરીક રજનીભાઈ કૈલાએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને લેખિત રજુઆત કરી પેપરમિલ માલિકો દ્વારા ગામના તળાવ આસપાસ કચરો ફેંકવામાં આવતો હોય અને પેપરમિલમાંથી આવતી તિવ્ર દુર્ગંધ ગ્રામજનોના આરોગ્ય માટે જોખમકારક હોવાથી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

