બંગાળની ખાડીમાં લો-પ્રેસર, વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ તથા આંધ્રપ્રદેશમાં ચક્રાવાતી પવનોને કારણે ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં હવામાન પલ્ટો સર્જાયો છે અને ભારે વરસાદ વચ્ચે જાનખુવારી પણ થઇ છે. ગુજરાતમાં 91 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે છતીસગઢ, મધ્યપ્રદેશ, ઉતરાખંડ, દિલ્હી, તેલંગાણા સહિતના રાજ્યોમાં વરસાદ થયો છે.
પંચમહાલના જાંબુઘોડામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ઘોઘંબામાં 2 ઇંચ, ગોધરામાં 3 ઇંચ, હાલોલમાં 2.5 ઇંચ, કલોલમાં 2 ઇંચ, મોરવા હડફમાં 3.5 ઇંચ, સહેરામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. દાહોદના દેવગઢબારીયામાં 2.5 ઇંચ, મહીસાગરના બાલાસિનોરમાં 2 ઇંચ, આણંદમાં 2.5 ઇંચ, ઉમરેઠમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.
ખેડામાં સાર્વત્રિક એક ઇંચ,વડોદરામાં ઝાટપાથી માંડીને દોઢ ઇંચ તથા દાહોદમાં સાર્વત્રિક બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.અમદાવાદમાં પણ અનેક ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો અને સમગ્ર શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. રાહદારીઓ-વાહનચાલકો ટ્રાફીકમાં અટકાઇ પડ્યા હતા. ગાંધીનગરના દહેગામમાં પણ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.