શહેરના રસ્તાઓ પર તો રખડતા ઢોરોનો આતંક છે જ હવે ટ્રેનને પણ ઢોર નડવા લાગ્યાં છે. ઘણીવાર એવું પણ બને છે કે ઢોરોને કારણે નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવો પડે છે. તેમ છતાં હજુ કોઈ દાખલો બેસાડી શકાય તેવી કાર્યવાહી કરવામાં આવી નથી. તો સવારે વંદે ભારત ટ્રેનને આડે ભેંસ આવતા અકસ્માત સર્જાયો હતો. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે પોલીસે આ મામલે ભેંસના માલિક સામે ફરિયાદ નોંધી છે.
ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને સવારે 11.15 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. ટ્રેન વટવાથી મણિનગરના ટ્રેક પર ભેંસ આવી જતા એન્જિન સાથે અથડાઈ હતી અને તેમાં એન્જિનના આગળના ભાગે નુકસાન થયું હતું. જો કે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નુકસાન થયેલા ભાગને તાત્કાલિક સમારકામ કરી ટ્રેનને રવાના કરી હતી.