મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબે રમવા આવતા ખેલૈયાઓ અને લોકો મળી કુલ 1700 જેટલા લોકોએ અંગદાન તેમજ દેહદાન અને દેશહિતના કાર્યો કરવા માટે સંકલ્પ લેવડાવી શહીદ ભગતસિંહને વીરાજંલી આપવામાં આવી હતી.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે ભગતસિંહે દેશની આઝાદી માટે સંકલ્પ કરી દેશ માટે શહીદ થઈ ગયા હતા. આથી શહીદ ભગતસિંહના આવા દ્રઢ સંકલ્પને પ્રેરણા સમજી અકસ્માતમાં કે ઇમરજન્સી દર્દીઓને નવજીવન મળે તે માટે યુવાનો મૃત્યુ પછી દેહદાન અને અંગદાન માટે સંકલ્પ કરે એવા હેતુસર સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપની પ્રેરણાથી સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આવેલા ખેલૈયા અને અન્યો મળીને 1400થી વધુ લોકોએ અંગદાન અને 300થી વધુ લોકોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો.
શહીદ ભગતસિંહના જન્મ દિવસ નિમિત્તે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં 1700થી વધુ લોકોએ અંગદાન અને દેહદાન કરીને ખરા અર્થે ભગતસિંહના કોઇપણ રીતે દેશસેવાના સંકલ્પ લેવા અન્યોને પ્રેરણા પુરી પાડી હતી. સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ત્રીજા નોરતે રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ તેમના ધર્મપત્ની સાથે હાજરી આપીને યંગ ઇન્ડિયા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તેમજ આરતીનો લાભ લીધો હતો

