પ્રાચીતીર્થનું અનેરૂં મહત્વ હોવાથી પ્રાચી તીર્થમાં પિતૃમાસ જેમકે કારતક માસ, ચૈત્ર માસ, ભાદરવા માસ દરમિયાન યાત્રિકોનો ભારે ધસારો રહે છે. હવે શ્રાદ્ધ પક્ષ શરૂ થતાં લોકોની ભીડ ઉમટી પડી છે.
કૃષ્ણા સાથે છે નાતો: પ્રાચી તીર્થમાં મોક્ષ પીપળા નીચે ભગવાન શ્રીકૃષ્ણએ યદુકુળનો મોક્ષ કર્યો હતો તેમજ આ મોક્ષ પીપળા નીચે શ્રી મહાપ્રભુજી ભગવાને ઉધ્ધવને છેવટનું જ્ઞાાન આપ્યું હતું. શ્રીકૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા પછી પ્રાચીથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી કિનારે માધવરાયજી સ્વરૂપે પ્રગટ થયા હતા. જે હાલ સરસ્વતી કિનારે જાંબુડાનાં ઝાડ નીચે બિરાજમાન છે. હાલમાં પણ સરસ્વતી નદીમાં નવા નીર આવે એટલે સરસ્વતી નદી માધવરાયજી તેમજ લક્ષ્મીજીના ચરણ સ્પર્શ કરી આગળ વધે છે. જેથી ચોમાસાનાં ત્રણથી ચાર મહિના માધવરાયજી મહારાજ જળમગ્ન રહે છે.પ્રાચી તીર્થની પવિત્ર ભૂમિ પર પિતૃમાસ નિમિત્તે સેંકડો ભાવિકો ઉમટે છે. જેમાં કારતક માસ, ભાદરવા માસ, ચૈત્ર માસમાં પિતૃકાર્ય અતિ પ્રચલિત હોવાથી માનવમેદની ઉમટે છે. શ્રાવણ માસમાં પણ તહેવારોને લઈ યાત્રિકોનો ધસારો જોવા મળે છે.
મોટું મહત્વ: શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે ભાદરવી અમાસ જેને પિતૃ અમાસ પણ કહે છે, તેથી પિતૃઓના મોક્ષર્થે આ ભાદરવી અમાસના દિવસે અનેરૂં મહત્વ હોવાથી મોક્ષ પીપળે પાણી રેડવા અને પિતૃકાર્ય કરાવવા માટે દૂર-દૂરથી ભાવિકો ઉમટી પડે છે.

