ડોમેસ્ટિક સપ્લાય ઘટતા અને ભાવ બેકાબૂ બનતા ગુરૂવારે મોડી સાંજે સરકારે ચોખાની અમુક જાત પર નિકાસ જકાત લાદી હતી પરંતુ સરકારે આ ખાદ્યાન્ના સંકટને ટાળવા માટે હવે ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે.બિન-બાસમતી ચોખાની નિકાસ પર 20 ટકા કસ્ટમ ડ્યુટી લાદ્યા પછી સરકારે સ્થાનિક સપ્લાય સુધારવાના હેતુથી ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
ટકાવારી સામે આવી: રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ચોખા અને બ્રાઉન રાઈસ પર 20 ટકા નિકાસ ડ્યૂટી લાદવામાં આવી છે. આ નિકાસ ડ્યુટી 9 સપ્ટેમ્બરથી લાગુ થશે. દેશના કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતરમાં ઘટાડો થયો છે. ચીન પછી ભારત ચોખાનું સૌથી મોટું ઉત્પાદક છે. ચોખાના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40 ટકા છે.
નિકાસ રિપોર્ટ: ભારતે 2021-22ના નાણાકીય વર્ષમાં 2.12 કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. તેમાં 39.4 લાખ ટન બાસમતી ચોખા હતા. સત્તાવાર માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન નોન-બાસમતી ચોખાની નિકાસ 6.11 અબજ ડોલરની રહી હતી.ભારતે 2021-22 દરમિયાન વિશ્વના 150થી વધુ દેશોમાં બિન-બાસમતી ચોખાની નિકાસ કરી હતી.
મહત્વની પોલિસી: ટ્રાન્સફર પોલિસીના સંબંધમાં ફોરેન ટ્રેડ પોલિસી 2015-2020 હેઠળની જોગવાઈઓ પર આ આદેશ લાગુ પડશે નહીં. ઉપરાંત 9થી 15 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ટુકડા ચોખાના અમુક ચોક્કસ કન્સાઇનમેન્ટને નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.સર્કયુલર અનુસાર આ સમયગાળા દરમિયાન ફક્ત તે માલસામાનને નિકાસ માટે મંજૂરી આપવામાં આવશે જેમની શિપમેન્ટ આ આદેશ પહેલા જહાજો પર લોડ થઈ છે.

