ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી વચ્ચે અપલાઈન ઉપર તૂટી પડેલો ઓવરહેડ કેબલ સાડા ત્રણ કલાકે દુરસ્ત થતા ટ્રેન વ્યવહાર પૂર્વવત થયો હતો. ઘટનાને લઈ અમદાવાદ-દિલ્હીથી મુંબઈ તરફ જતી અગીયાર ટ્રેનનું સમયપત્રક ખોરવાયુ હતું. જ્યારે બે મેમુ ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી હતી. આ ઘટનાના પગલે બહાર હજાર જેટલા યાત્રીઓ અટવાઇ પડ્યા હતા.
ભરૂચના અંકલેશ્વર-પાનોલી વચ્ચે શુક્રવારે સવારે ૯.૧૫ કલાકે અપલાઈનનો OHE કેબલ તૂટી પડતા પાવર સપ્લાય ફેઈલ થઈ ગયો હતો. ઘટનાને પગલે છ સુપરફાસ્ટ ટ્રેનોને ભરૂચ, અંકલેશ્વર, નબીપુર, પાલેજ, વડોદરા સહિતના સ્ટેશન ઉપર અટકાવી દેવમાં આવી હતી. જ્યારે અજમેર-બાંદ્રા સુપરફાસ્ટ પીરામણ રેલવે બ્રિજ ઉપર જ ઉભી રહી ગઈ હતી.

દિલ્હી-અમદાવાદ તરફથી મુંબઈ જતી મુખ્ય અપલાઈન ઉપર જ ૨૫૦૦૦ વોટનો OHE કેબલ તૂટી પડતા રેલવે તંત્ર દોડતું થયું હતું. OHE વાન અને મેઇન્ટેનન્સ સ્ટાફને સ્થળ પર રવાના કરી દેવાયો હતો. પાવર બ્લોક લઈ સ્મરકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન વડોદરા-સુરત અને ભરૂચ-સુરત મેમુ ટ્રેન રેલવે એ આજે રદ કરી દેવી પડી હતી. બપોરે ૧૨.૪૮ કલાકે ઓવરહેડ લાઈન દુરસ્ત થતા ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. સાડા ત્રણ કલાકથી અપલાઈનનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ જતા દિલ્હી-મુંબઈ તરફથી આવતી ૧૧ ટ્રેનો સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ, દિલ્હી-બાંદ્રા, પશ્ચિમ એક્સપ્રેસ, વિવેક એક્સપ્રેસ, વી.લક્ષ્મી બાઈ-બાંદ્રા, હાવડા સુપરફાસ્ટ, બાડમેર-યશવંતપુરા સાડા ત્રણ કલાક સુધી મોડી પડી હતી. કેબલ બ્રેક ડાઉનને કારણે ૧૧ સુપરફાસ્ટ ટ્રેનો અટકી હતી.

