ભારતમાં 10માંથી 7 મુસાફરો વાહનની પાછળની સીટ પર સવારી કરતી વખતે ક્યારેય સીટ બેલ્ટ બાંધતા નથી. લોકલસર્કલના સર્વેમાં આ માહિતી સામે આવી છે. સર્વેમાં 10,000થી વધુ લોકોને સીટ બેલ્ટ પહેરવા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમાંથી 26 ટકા લોકોએ કહ્યું કે તેઓ હંમેશાં પાછળની સીટ પર મુસાફરી કરતી વખતે સીટ બેલ્ટ પહેરે છે. જ્યારે, 4 ટકા લોકોએ કહ્યું કે તેઓ ક્યારેય પાછળની સીટ પર મુસાફરી કરતા નથી. સર્વેમાં સામેલ 70 ટકા લોકોએ સ્વીકાર્યું કે, તેઓ મુસાફરી દરમિયાન પાછળની સીટ પર ક્યારેય સીટ બેલ્ટ નથી બાંધતા.
સીટબેલ્ટ અને એરબેગ એકસાથે કામ કરે છે. ભારતમાં મોટાભાગની કાર તમામ સીટો પર ટ્વીન એરબેગ્સ અને સીટબેલ્ટ સાથે આવે છે. અકસ્માત દરમિયાન જીવ બચાવવા માટે સીટબેલ્ટ અને એરબેગ એકસાથે કામ કરે છે. જ્યારે સીટ બેલ્ટ ન પહેર્યો હોય ત્યારે પણ એરબેગ્સ કામ કરે છે. પરંતુ કારમાં જ્યાં પણ એરબેગ્સ છે ત્યાં SRS લખેલું છે. તેનો અર્થ છે ‘સપ્લીમેન્ટરી રિસ્ટ્રેઈનિંગ સિસ્ટમ’. સરળ શબ્દોમાં, આનો અર્થ એ છે કે કારમાં તે એકમાત્ર જીવન બચાવનાર ઉપકરણ નથી. એટલા માટે તમારે સીટ બેલ્ટ પણ બાંધવાની જરૂર છે.

