વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના લોલમલોલ વહીવટનો વધુએ પુરાવો સામે આવ્યો છે. LLBના અભ્યાસક્રમની ફેબ્રુઆરીમાં લેવાયેલી પરીક્ષાના CRPCના પ્રશ્નપત્રમાં 20 જેટલી અને IPRના પ્રશ્નપત્રમાં 10 ભૂલ થઇ હોવાની ફરિયાદ અને લીગલ નોટિસ મળ્યા બાદ છેક 3 મહિને ભાન થયું છે. હવે 1200 જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટ બદલવામાં આવશે જેના કારણે જૂના માર્કસના આધારે LLMમાં પ્રવેશ મેળવનાર અને સનદ માટે બારમાં રજુઆત કરનાર વિદ્યાર્થીઓની પરેશાની વધી ગઇ છે. યુનિવર્સિટી ભૂલ કરનાર પ્રોફેસર પંડ્યાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
યુનિવર્સિટી આ પ્રકરણમાં 3 મહિના સુધી કુંભકર્ણની માફક ઘોરતી રહેતા વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય થયો હતો. હવે પરિસ્થિતિ એવી થઇ છે કે,માર્કસમાં ફેરફાર થવાના કારણે સારા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને આ ભૂલોના કારણે મનપસંદ કોલેજમાં પ્રવેશ નહીં મળી શક્યો તો વિદેશ જનારા વિદ્યાર્થીઓની પણ માર્કશીટ બદલાતાં મુશ્કેલી વધી છે. પેપરોમાં ભૂલ હોવાનું સત્તાધીશો સારી રીતે જાણતા હોવા છતાં LLMમાં પ્રોવિઝનલ પ્રવેશ આપી દેવાયા હતા. પછી એકાએક પ્રોવિઝનલ પ્રવેશ રદ કરી સુધારા સાથે કરવામાં આવ્યા હતા.
યુનિવર્સિટીS ફેબ્રુઆરી 2022માં LLB સેમેસ્ટર 5ની એમસીક્યુ આધારિત પરીક્ષા લીધી હતી. જેમાં CRPCના પ્રશ્નપત્રમાં 20 અને IPR વિષયમાં 10 પ્રશ્નોમાં ભૂલ હતી. આ અંગે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને માર્કશીટ અને ડીગ્રી પણ આપી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ માર્કશીટના આધારે LLMમમાં પ્રેવશ પણ મેળવી લીધો હતો. વિદ્યાર્થીઓએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટસ આપી દીધા હતા. જો કે, બાદમાં બ્રહ્મજ્ઞાન થતાં યુનિવર્સિટી જાગી અને 1200 જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટ પરત લઇને સુધારો કરી આપવામાં આવી રહ્યો છે.