રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો રાજ્યભરમાં ભ્રમણ કરી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા વાપી પહોંચ્હ તા. અહીં તેમણે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. તે દરમિયાન ગોપાલ ઈટાલિયાએ વેપારીઓના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળી ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ભાજપ વર્ષે 20,000 કરોડ રૂપિયાનું કમિશન લઈ દારૂ વેચાવે છે અને ચૂંટણી ફંડ મેળવે છે.
વાપીમાં લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે આમ આદમી પાર્ટીએ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ઉપસ્થિત ગોપાલ ઈટાલિયાએ વાપીના વેપારીઓ સાથે સંવાદ કરી તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી. પાર્ટી આ તમામ પ્રશ્નો ધ્યાને લેશે તેવું જણાવ્યું હતું.
વાપીમાં વેપારીઓ સાથે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ સંવાદ કાર્યક્રમ થકી વિવિધ પ્રશ્નો, રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કડકમાં કડક અમલ થાય. ભાજપ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વર્ષે 20,000 કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ આ દારૂ વેચાવીને મેળવે છે. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ન મળે તેવી વ્યવસ્થા કરશે.


