રાજ્યમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહ્યું નથી કારણ કે કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ થયો છે તો કેટલાક જિલ્લામાં હજુ પુરતો વરસાદ થયો નથી.મોરબી અને જામનગર જિલ્લાને જોડતા આમરણ ચોવીસી પંથકમાં આ વર્ષે જાણે અતીવૃર્ષ્ટિ થઇ હોય તેમ સામાન્યથી વધુ વરસાદ નોધાયો છે કેટલાક ગામડામાં કેટલાક ગામ એવા છે જેના ખેતરમાં હજુ એટલા પાણી ઘુસી ગયા છે કે આજ દિન સુધી ખેડૂતો તેના ખેતર જઈ શકે તેવી સ્થિતિ બની નથી જેના કારણે ચોમાસું પાક પણ નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગત રવિવારે આમરણ ચોવીસી વિસ્તારના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાં ખેડૂતોને પડી રહેલી સસમસ્યા અને હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
વર્ષાઋતુ સંદર્ભે હાલ મેઘરાજાએ ગુજરાત પર ખૂબ મહેર કરી છે. ઘણા વિસ્તારોમાં ભારે/અનરાધાર વરસાદના પગલે કૃષિમાં પણ નુકશાન થયું છે. જે અન્વયે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભીમકટા, માણામોરા, કોઠારીયા, દુધઈ તેમજ મોરબીના આમરણ, બેલા(આ), ઉટબેટ સામપર, ફડસર, ઝીંઝોડા, રાજપર, નવા ખારચીયા તેમજ રામનગર ગામની મુલાકાત લીધી હતી.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ કુદરતી આપત્તિ સમયે સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી છે. વધુમાં મંત્રીએ ત્યાંની પરિસ્થિતીની સમીક્ષા કરી ખેડૂતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
આ તકે મંત્રી સાથે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા, અગ્રણી દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી ખેતીવાડી અધિકારી ડૉ. વિક્રમસિંહ ચૌહાણ તથા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

