મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના વિધાનસભા વિસ્તારમાં આવતા ગાળા ગામથી શાપર ગામને જોડતા રસ્તા પર આવેલ બ્રીજ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે. અગાઉ આ બ્રીજનું રીનોવેશન કરવામાં આવ્યું હોવા છતાં સ્થિતિ બદતર બની ગઈ છે. આ બાબતે આસપાસના ગ્રામજનો દ્વારા તેમજ આ રોડ પરના ઉદ્યોગકારો દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પદાધિકારીઓને જાણે અધિકારીઓ ગાંઠતા જ ન હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આ બ્રિજ લાંબા સમયથી દયનીય અવસ્થામાં છે.
આ બ્રિજ પરની રેલીંગમાં અનેક વાર વાહનો ફસાયા છે તો એક બે વખત પુલ પરથી વાહન નીચે પણ ખાબક્યા હોવાની ઘટના બની છે તેમ છતાં જીલ્લાનું બાંધકામ વિભાગ જાણે આંખ આડા કાન કરીને બેસી ગયું હોય તેમ આજ દિન સુધી બ્રીજનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. ચુંટણી નજીક આવે ત્યારે મસમોટી વાતો અને વચનના ઢગલા કરતા રાજનેતાઓ ચુંટણી પૂર્ણ થયા બાદ ફરાર થઈ જાય છે ત્યારે શું આ રાજનેતાઓને પ્રજાના કામ કરવામાં રસ નથી ? ગ્રામજનો કે અહીંથી પસાર થતા વાહનચાલકોને પડતી હાલાકી દેખાતી નથી ? તેવા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.

