આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતમાં ‘આઝાદી કા અમૃત ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13થી 15 ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા અભિયાન’નું એલાન કરવામાં આવ્યું છે. શનિવારથી રાજકોટ શહેરના ઘર તેમજ ઓફિસ ઉપર તિરંગો લહેરાય રહ્યો છે.
જોકે સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો સૌરાષ્ટ્રની સૌથી ઊંચી 22 માળની રાજકોટની સિલ્વર હાઈટ્સ બિલ્ડીંગમાં લહેરાવવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ એક કિમી દૂરથી પણ દેખાય છે. રાજકોટના નાનામવા રોડ પર આવેલ સિલ્વર હાઈટ્સ સોસાયટીના મુકેશભાઇ શેઠે જણાવ્યું હતું કે, સોસાયટીના એસોસિએશને સાથે મળી નક્કી કર્યું હતું કે આપણે પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાશું. અમે રાજકોટ ખાતે જ એક 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો તૈયાર કરી બિલ્ડીંગ ઉપર લગાવ્યો છે. રાત્રે પણ દૂરથી લોકો નિહાળી શકે તે માટે લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે.
150 ફૂટ રિંગ રોડ પરથી એક કિલોમીટર દૂરથી પણ આ તિરંગાને લોકો નિહાળી શકે અને રાષ્ટ્રભાવના કેળવાય તે માટે અંદાજિત એક લાખના ખર્ચે આ તિરંગો તૈયાર કરી 15 ઓગસ્ટ સુધી તિરંગો લહેરાવવામાં આવશે.

