પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખરે આજે ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, જગદીપ ધનખરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદી સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા.
આટલા વોટ: 6 ઓગસ્ટે યોજાયેલી ચૂંટણીમાં NDAના ઉમેદવાર જગદીપ ધનખરે 725 મતોમાંથી 528 મતોથી જીત મેળવી હતી. તે જ સમયે, વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 182 મત મળ્યા, જ્યારે 15 મત અમાન્ય જાહેર થયા. ચૂંટણી પરિણામોની જાહેરાત કરતા લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહે કહ્યું હતું કે રાજ્યસભાના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યો અને લોકસભાના ચૂંટાયેલા સભ્યોના 780 મતદારોમાંથી 725 મતદારોએ મતદાન કર્યું હતું. કુલ 92.94 ટકા મતદાન થયું હતું. સિંહે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પડેલા 710 માન્ય મતોમાંથી જગદીપ ધનખરને 528 સાંસદોના મત મળ્યા.

મૂળ રાજસ્થાન: જગદીપ ધનખર મૂળ રાજસ્થાનના ઝુંઝુનુના ખેડૂત પરિવારમાંથી આવે છે. પિતા ગોકુલ ચંદ્ર ધનખર ખેડૂત હતા. તેમને રાજકારણમાં લગભગ 30 વર્ષનો અનુભવ છે. તેમણે 1989માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. ધનખર વ્યવસાયે વકીલ પણ છે. કાયદાનો અભ્યાસ કર્યા પછી, તેમણે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી અને 1990માં તેઓ રાજસ્થાન હાઈકોર્ટમાં વરિષ્ઠ વકીલ બન્યા. તેમણે હાઈકોર્ટથી લઈને દેશની સર્વોચ્ચ અદાલત સુધી કાયદાની પ્રેક્ટિસ કરી. ધનખર દેશની ગણના જાણીતા વકીલોમાં થાય છે.

