બરવાળા કેમિકલકાંડમાં એસપી સહિતના અધિકારીની બદલી અને સસ્પેન્ડ બાદ આજે વધુ કેટલાક પોલીસ કર્મચારીઓ પર એક્શન લેવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના એલસીબી અને એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ સહિતના પોલીસકર્મીની બદલીનો ગંજીપો ફરી એકવાર ચીપાયો છે.
આવું થયું: બોટાદના બરવાળાના કેમિકલકાંડમાં પોલીસકર્મીઓ પર ગાજ પડી હતી. રાજ્ય સરકારે કેમિકલ કાંડમાં મોટી કાર્યવાહી કરીને 2 SPની બદલી કરી દીધી હતી, જ્યારે 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. SPની બદલીની વાત કરીએ તો બોટાદના SP કરનરાજ વાઘેલાની બદલી ગાંધીનગરમાં સરકારી સંપતિના સુરક્ષા વિભાગના કમાન્ડન્ટ તરીકે બદલી કરાઈ હતી, જ્યારે અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની અમદાવાદ મેટ્રોના સિકયોરિટી કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી હતી.

આ સસ્પેન્ડ: કેમિકલ કાંડમાં 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. જેમાં બોટાદ DYSP એસ.કે. ત્રિવેદી, ધોળકા DYSP એન.વી.પટેલ અને ધંધૂકા PI કે.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા હતા. તો સાથે જ બરવાળા PSI ભગીરથસિંહ ગંભીરસિંહ વાળા અને રાણપુર PSI શૈલેન્દ્રસિંહ દિલુભા રાણાને સસ્પેન્ડ કરાયા હતા. આ ઉપરાંત પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા.

