ગુજરાતના અનેક જિલ્લાઓનાં પશુઓમાં દેખાયેલા લમ્પી વાયરસથી રાજકોટ જિલ્લાનું પશુપાલન તંત્ર પણ એલર્ટ બન્યું છે. બુધવારે જિલ્લા પંચાયતમાં તાકીદની બેઠક રાખવામાં આવી હતી. પ્રાણી માટેના રસી સહિતની જરુરી ચીજોનો પૂરતો સ્ટોક રાખવાની સૂચના આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા દ્વારા પશુપાલન વિભાગનાં અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજવામાં આવી હતી.
શું કહે છે અધિકારી: લમ્પી વાયરસ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ખુદ ઝડપથી પ્રસરી રહ્યો હોવાથી રાજકોટ જિલ્લાની પરિસ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 21,000 પશુઓને રસી આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજીત 55 કેસ નોંધાયા છે. જો કે એક પણ પશુધનનું મૃત્યુ નોંધાયું નથી. પડધરી અને લોધીકા તાલુકામાં સૌથી વધુ કેસ માલુમ પડ્યા છે.

જન જાગૃતિ જરૂરી; પશુપાલન વિભાગ તથા રાજકોટ ડેરી દ્વારા સંયુક્ત રીતે વેક્સિન આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ગ્રામ્ય લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા છે અને પશુઓમાં શંકાસ્પદ લક્ષણ દેખાવાના સંજોગોમાં તાત્કાલીક પશુપાલન તંત્રનું ધ્યાન દોરવા તાકીદ કરવામાં આવી છે. તંત્ર પાસે પર્યાપ્ત માત્રામાં રસીનો સ્ટોક છે અને જરુર પડ્યે તાત્કાલીક ખરીદીની તૈયારી રાખવામાં આવી છે.

