ગુજરાત કોંગ્રેસની વિદ્યાર્થી પાંખમાં હવે ભંગાણ થવાનું શરૂ થયું છે. NSUIના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થતાં જ બળવો શરૂ થઈ ગયો છે. હવે કેટલાક હોદ્દેદારોએ NSUIના પ્રદેશ પ્રમુખની શપથવિધિના દિવસે જ રાજીનામાં આપી દીધાં હતાં. વાવડ એવા છે કે, તેઓ હવે ભાજપમાં જોડાવાના છે.
હાર્દિક પટેલ જૂથ: જોકે આ મામલે 3 નેતા પર આક્ષેપ કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી થઈ એ બાદ કોંગ્રેસમાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને હાર્દિક પટેલ એવા બે ગ્રુપ હતા. જે કોંગ્રેસ વિદ્યાર્થી પાંખમાં સક્રિય હતા. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. એટલે એક ગ્રુપમાં સીધી અસર થઈ ગઈ.
300 રાજીનામાં: ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જૂથ મજબૂત થયું પણ NSUIના પૂર્વ નેતા પાર્થ દેસાઈ અને તેમની સાથેના 300 જેટલા કાર્યકરોએ એકસાથે NSUIમાંથી રાજીનામાં આપ્યા હતા. જેના કારણે એક ભંગાણ થયું. પછી આ જ જૂથના નરેન્દ્ર સોલંકીને પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવામાં આવ્યો. શપથ વિધિના દિવસે જ રાજીનામું આપી દેતા ખડભડાટ મચી ગયો.

સીઆર સાથે બેઠક: પાર્થે આ રાજીનામાં બાદ સીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક કરી લીધી. પછી ભાજપ પ્રવેશ કરવા ખાતરી આપી. NSUIના 600 હોદેદાર સહિત 5000 લોકોને ભાજપમાં જોડાવવા પાર્થ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પાસે સમય માગ્યો હતો.
પાર્થની પીડા: પાર્થ દેસાઈએ કહ્યું હતું કે અમે પક્ષ માટે આંદોલન કર્યા અને 2-3 દિવસ જેલમાં પણ રહ્યા. અમારા પર 15-16 કેસ થયા છે. પક્ષ તરફથી કોઈ વકીલ આપવામાં આવતા નથી. કોર્ટના ધક્કા અમારે ખાવા પડે છે. અમને કોઈ કાર્યક્રમમાં આમંત્રણ પણ આપવામાં આવતું નથી. કેટલીક ચોક્કસ લોબી પોતાના ફાયદા માટે સંગઠન પર પકડ બનાવે છે. પોતાની પકડ છે તેવું સમજનારા જ સંગઠનને પૂરું કરી નાખશે. પૈસા ખર્ચે તેને હોદ્દા આપવામાં આવે છે. અત્યારે કોંગ્રેસ ઈચ્છે તો પણ 500 કાર્યકર ભેગા કરીને કાર્યક્રમ ના કરી શકે. આખરે કંટાળીને મેં રાજીનામું આપ્યું છે અને હવે આગામી દિવસમાં ભાજપમાં જોડાઈશું.

