રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સોમવારે મતદાન થવાનું છે. તે માટે સંસદમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 21 જુલાઈએ પરિણામ જાહેર થયા બાદ 25 જુલાઈ 2022ના નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
સાંસદ કરશે મતદાન: સંસદ ભવનના રૂમ નંબર-63માં 6 બૂથ બનાવવામાં આવ્યા છે. જેમાંથી એક દિવ્યાંગ વોટર માટે છે. અલગ-અલગ રાજ્યોના કુલ 9 ધારાસભ્યો સંસદ ભવનમાં મતદાન કરશે. યુપીથી 4, ત્રિપુરાથી 2, અસમથી 1, ઓડિશાથી 1, હરિયાણાથી 1 જ્યારે 42 સાંસદ વિધાનસભાઓમાં મતદાન કરશે.

વિપક્ષને આશા: વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ પૂર્વ પીએમ ચંદ્રશેખરની સરકારમાં 1990થી 1991 સુધી અને પછી 1998થી 2002 સુધી પૂર્વ પ્રધાનમંત્રી અટલજીની સરકારમાં નાણામંત્રીના રૂપમાં કાર્ય કર્યું હતું. યશવંત સિન્હા દેશના વિદેશ મંત્રી પણ રહ્યા હતા. 2018માં પાર્ટી છોડતા પહેલા તે ભાજપના વરિષ્ઠ નેતા હતા. ત્યારબાદ તેઓ ટીએમસીમાં સામેલ થયા.
સમર્થન: એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો પક્ષ મજબૂત માનવામાં આવી રહ્યો છે. તેમને બીજેડી, વાઈએસઆર કોંગ્રેસ, બસપા, એઆઈડીએમકે, તેલુગુ દેશમ પાર્ટી, શિરોમણિ અકાલી દળ, શિવસેના અને ઝારખંડ મુક્તિ મોર્ચાનું સમર્થન મળેલું છે.

