છેલ્લા ત્રણ દિવસથી ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. ત્યારે ગઈકાલે મોડીરાત્રીથી શરૂ થયેલા વરસાદે સવાર સુધીમાં સાર્વત્રિક 2થી 5 ઈંચ જેટલો વરસાદ વરસાવી દીધો છે. અવિરત વરસી રહેલા વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. જિલ્લામાં વેરાવળ-સોમનાથમાં 5 ઇંચ, સુત્રાપાડામાં 4, તાલાલામાં 3 અને કોડીનાર, ઉના અને ગીરગઢડામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક નદીઓમાં ઘોડાપૂર આવતા ગ્રામ્ય વિસ્તારોના માર્ગે ઉપર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા હતા. તેમજ ત્રણ તાલુકાનો જીવાદોરી સમાન હિરણ-2 ડેમ 90 ટકા ભરાઈ જતા 3 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યાં છે.

ગઈકાલે આખો દિવસ વરસ્યા બાદ સાંજે થંભી ગયેલી મેઘસવારી મોડીરાત્રીના ફરી શરૂ થઈ હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારે વરસાદ વરસ્યો હતો. ગતરાત્રીના 2 થી સવારે 10 વાગ્યા સુધીમાં વેરાવળ-સોમનાથમાં 5 ઇંચ, તાલાલામાં 3 ઇંચ, સુત્રાપાડામાં 4 ઇંચ, કોડીનારમાં 2 ઇંચ, ઉનામાં 2 ઇંચ, ગીરગઢડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સતત વરસાદના પગલે સર્વત્ર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે.

વેરાવળ-સોમનાથ પંથકમાં ગત મોડીરાત્રીથી શરૂ થયેલો વરસાદ સવાર સુધીમાં 5 ઇંચ જેટલું પાણી વરસાવી દેતા ઠેરઠેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં શહેરના ડભોર રોડ, તપેશ્વર મંદિર રોડ, સુભાષ રોડ, ગાંધીચોક રોડ, અમરદીપ કલીનીક રોડ, એસટીના રસ્તાઓમાં ગોઠણડુબ પાણી ભરાઈ જતા નદીઓ વહેતી જોવા મળી હતી.

વેરાવળ- સોમનાથ, તાલાલા અને સુત્રાપાડા ત્રણ તાલુકાના જીવાદોરી સમાન હિરણ-2 (ઉમરેઠી) ડેમમાં છેલ્લા 24 કલાકમાં 50 ટકા થી વધુ પાણીની આવક થતા ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો. જેથી ડેમનું સ્ટોરેજ લેવલ જાળવવા સવારે 3 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. જેથી ડેમ હેઠળ આવતા વેરાવળ અને તાલાલા તાલુકાના કુલ 13 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં તાલાલા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ અને વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઈશ્વરીયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી ગામના લોકોનો સતર્ક રહેવા અને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી હોવાનું ડેમ અધિકારી સિંઘલે જણાવ્યું છે.

વેરાવળમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. તેમજ હજુ પણ વરસાદની શક્યાતા છે ત્યારે મેરીટાઇમ બોર્ડ દ્વારા વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ઉંચા ઉછળતા મોજા અને ભારે પવનોને કારણે માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે.

