જામનગર જિલ્લાના નાના વડાળા ગામે ધસમસતા પાણી વચ્ચે કોઝ-વે પાર કરી રહેલી સ્કુલ બસ પાણીમાં તણાતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડસાથે મળીને બસમાં રહેલા બાળકોને બચાવવા માટે તજવીજ હાથ ધરી છે. બસમાં સવાર તમામ 9 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યાં છે. બસ ડ્રાઈવરની બેદરકારીના લીધે બાળકોના જીવ જોખમમાં મુકાયા હતાં.

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘાએ હેત વરસાવવાનું શરૂ કર્યું છે. તો સુત્રાપાડા અને કોડીનાર પંથકમાં 18 ઈંચ જેટલો વરસાદ વરસી જતા ગામોમાં બેટની પરિસ્થિતિનું સર્જન થયું છે. ત્યારે આજે જામનગરમાં પણ મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. છેલ્લા કેટલાક કલાકોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગામડાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. નાના વડાળા ગામે ધસમસતા પાણી વચ્ચે કોઝ-વે પાર કરી રહેલી સ્કુલ બસ પાણીમાં તણાઈ હતી. લોકોએ અને ફાયરબ્રિગેડના જવાનોએ મહામહેનતે બસમાં રહેલા તમામ 9 બાળકો અને 2 શિક્ષકોનું રેસ્ક્યુ કર્યાં હતાં.

કોઝ-વે ઉપર ધસમસતા પાણીનો પ્રવાહ વહી રહ્યો હોવા છતા પણ ડ્રાઈવરે તેના ઉપરથી બસ હંકારવાનો પ્રયત્ન કર્યો હતો. જેના કરાણે બસ પાણીના પ્રવાહમાં તણાઈને ડ્રાઈવરની બેદરકારીના બસમાં રહેલા બાળકો અને શિક્ષકોનો જીવ જોખમમાં મુકાયો હતો.

