શહેરમાં પટેલ વિહાર રેસ્ટોરન્ટનું નામ દરેકે સાંભળ્યું હશે. રાજકોટના ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ જેવા બે મુખ્ય માર્ગો પર આવેલી પ્રખ્યાત પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિક હસમુખભાઈ પોતાના ઘરમાં જ્યારે બધા સૂતા હતા ત્યારે આપઘાત કરી લેતા ચર્ચાનો વંટોળ ચગ્યો છે.
કારણ અકબંધ: રાજકોટના પોશ વિસ્તાર કહેવાતા આનંદ બંગલા ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલ ધોળકિયા સ્કૂલ નજીક અવકાશ સ્ક્વેરમાં રહેતા હસુમુખભાઈએ આ પગલું કેમ ભર્યું તેને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે આર્થિક સંકળામણના કારણે તેમણે આ અવિચારી પગલું ભર્યું હોઈ શકે છે. તેવું પરિવાર પણ માની રહ્યો છે.

પત્નીએ જાણ કરી: વહેલી સવારે તેમના પત્ની ઉઠ્યા તો હસમુખભાઈને પથારીમાં ન જોતા તેમના રુમની બહાર આવ્યા હતા ત્યાં હોલમાં તેમનો નશ્વર દેહ લટકતા જોતા રોકકળ કરી મૂકી હતી અને તેમનો અવાજ સાંભળીને પરિવારના અન્ય લોકો અને પડોશીઓ પણ દોડી આવ્યા હતા. ત્યારબાદ 108ને જાણ કરતા ત્યાં પહોંચીને ફરજ પરના ઈએમટીએ હસમુખભાઈને મૃત જાહેર કર્યા હતા. આ દરમિયાન માલવિયા પોલીસ મથકનો સ્ટાફ તપાસ માટે પહોંચી ગયો હતો.

