મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું
મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૧ જુલાઈ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઈ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર છે.
મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ
મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકાર વિરૂદ્ધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે કાયદો વ્યવ્સ્થા જળવાઈ રહે તે માટે સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય છે. આ સમય દરમિયાન મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૧ જુલાઈ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.
આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને – સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઇ સ્મશાન યાત્રાને, સરકારના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

