વાંકાનેર શહેરમાં ગ્રીન ચોક પાસે મચ્છુ નદીના કિનારે બિરાજમાન મચ્છુ માતાજીના મંદિરથી દર વર્ષની માફક આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે શોભાયાત્રા નીકળી ન હોવાથી આ વર્ષે તમામ હિન્દુ સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા અને ડી.જે. ના તાલે રાજમાર્ગો પર ફરી ઝૂમ્યા હતા. સવારે ૧૧ વાગ્યે નીકળેલી વિશાળ શોભાયાત્રા વાંધા લીમડા ચોક, જીનપરાથી નેશનલ હાઇવે પર થઈ મિલ પ્લોટ સ્થિત મચ્છુ માતાજી મંદિર ખાતે પહોંચી હતી.
આ શોભાયાત્રામાં વાંકાનેર પંથકના માલધારી સમાજના લોકો સાથે તમામ હિન્દુ સમાજના લોકો જોડાયા હતા અને માતાજીના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ઉપરાંત શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેને પગલે શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા સંપન્ન થઈ હતી.

