ગુજરાતના 36 તાલુકામાં આજે મેઘમહેર થઇ છે અને તેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારીના ખેરગામમાં બપોરે 2 થી 4 દરમિયાન જ 1.30 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલીના બાબરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર વલસાડના ધરમપુર, રાજકોટના ગોંડલ-જસદણ, સુરતના તાલાલા-ગીર ગઢડા અને ભાવનગરના શિહોરમાં સાધારણ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ વલસાડ, નવસારી, દમણ, દાદર નગર હવેલીમાં ભારે જયારે રાજ્યમાં અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં વરસાદનું પ્રમાણ: આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ઉકાળાનું પ્રમાણ યથાવત રહેતા લોકો ત્રસ્ત થયા હતા. આજે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 40.1 જયારે હવામા ભેજનું પ્રમાણ 68 ટકા નોંધાયું હતું. આગામી 20 જૂન સુધી અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે, હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદને હજુ આગામી 27 જૂન સુધી માત્ર સાધારણ ઝાપટાંથી સંતોષ માનવો પડશે.

