અગાઉ પ્રથમ વખત 17 જુલાઈ, 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલા શરૂ કરાયેલી અન્નપૂર્ણા યોજના ફરી આ વખતે પણ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા શરૂ કરશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. નવી યોજનામાં રૂ. 10ની થાળી રૂ. 5માં અપાશે તેમ પણ પ્રાથમિક તબક્કે નક્કી થયું છે. આ યોજના મંત્રી બ્રિજેશ મેરજાની મંજૂરીની રાહ જોઈ રહી છે.

નજીવા દરે જમવાનું: અન્નપૂર્ણા યોજનામાં અસંગઠિત ક્ષેત્રના કામદારોને બપોરે નજીવા દરે જમવાનું મળે તેવી વ્યવસ્થા કરાઇ છે. આ માટે મજૂરો જ્યાં એકઠા થતા હોય તેવા સ્થળે જુદા જુદા અન્નપૂર્ણા રથ દ્વારા કામદારોને ભોજન પૂરું પડાય છે. ખાસ કરીને કડિયાનાકા કે શ્રમિકો જ્યાં એકઠા થાય છે તે વિસ્તારમાં રથ ઊભા રખાય છે, જેથી કામદારોને સરળતાથી ભોજન મળી રહે. રાજ્યમાં 67 લાખ અસંગઠિત ક્ષેત્રના મજૂરો છે. મજદૂરો માટે રૂ.5માં થાળી તૈયાર કરાઈ છે, જેમાં રોટલી, કઠોળ, શાક, ગોળ, અથાણું, ખીચડી સહિતની વાનગી અપાશે. ઉપરાંત અઠવાડિયામાં એક વખત મિષ્ટાન આપવા પણ પ્રયાસ થઈ રહ્યો છે.

