ભાવનગર શહેરમાં ભાજપના શાસનમાં સીટી બસ સેવાના ભારે ધાંધીયા જોવા મળી રહ્યા છે તેથી શહેરભરમાં સીટી બસ સેવા શરૂ કરવાની માંગણી સાથે આજે સોમવારે કોંગ્રેસે બાઈક રેલી કાઢી કમિશનરને રજુઆત કરી હતી. સીટી બસ સેવા બંધ હોવાથી લોકોને મોંઘા રીક્ષા ભાડા ચુકવવા પડતા હોવાની ફરિયાદ ઉઠી છે.
વિકાસની માત્ર વાતો: ભાવનગરમાં એક સમયે લગભગ ૫૦ સીટી બસ ચાલતી હતી ત્યારે આવાસ યોજના પણ બનેલ ના હતી. ભાવનગરના વિસ્તાર પણ વધ્યા છે છતાં પણ અત્યારે સીટી બસની સુવિધા નથી તેમજ રવિવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ખોડીયાર મંદિર સુધી સીટી બસ સુવિધા મળતી હતી. કમનસીબે ભાજપના શાસકો ફક્ત મોટી મોટી વિકાસની વાતો કરે છે પણ સુવિધાના નામે જીરો છે.

બસના ધાંધિયા: શહેરના મોટાભાગના વિસ્તારમાં સીટી બસ સેવા ઘણા સમયથી બંધ છે તેથી આજે સોમવારે સાંજે સીટી બસના પ્રશ્ને શહેરના કાળીયાબીડની પાણીની ટાંકીથી કોર્પોરેશન સુધી કોંગ્રેસ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી અને સીટી બસ શરૂ કરવા કમિશનરને ઉગ્ર રજુઆત કરી હતી. ભાવનગર મ્યુનિસિપલ સંચાલિત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા અપાયેલ સિટીબસ કોન્ટ્રાકટર દ્વારા ભરતનગર સિવાય કોઈપણ વિસ્તારમાં બસ ચાલતી નથી.

ગામ શહેરમાં ભાળ્યા પણ: પાંચ ગામ કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યા છે છતાં આ ગામ તેમજ ભાવનગરના લગભગ તમામ વિસ્તારમાં સીટી બસ સુવિધાનો લાભ મળતો નથી. મોંઘવારીમાં લોકોને અતિશય મોંઘા રીક્ષા ભાડા ખર્ચીને લોકોને ના છૂટકે કામ ધંધા રોજગાર ઉપર આવવા-જવા માટે રીક્ષાનો ઉપયોગ કરવો પડે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો શહેરના છેવાડાના વિસ્તારમાં બનવવામાં આવ્યા છે જેમ કે નારી, રૂવા, તરસિમિયા, ફુલસર, સીદસર જેવા વિસ્તારમાં આવાસ યોજનાના મકાન આવેલ હોય લોકોને આવવા જવા માટે મોંઘા રીક્ષા ભાડા ચૂકવવા પડે છે.

