મોરબી શહેરના અલગ અલગ વીસ્તારમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે અલગ અલગ ત્રણ સ્થળે દરોડો પાડ્યો હતો અને સટ્ટો રમતા કુલ ૮ લોકોને ઝડપી લીધા હતા. જેમાં પ્રથમ બનાવમાં પંચાસર રોડ પર આવેલ યસ માર્કેટ સામે ઓનલાઈન એપ્લીકેશન પર સટ્ટો રમતા સોહીલભાઈ દાઉદભાઈ સુમરા, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા, ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, ઈરફાન સલેમાનભાઈ સુમરાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 57 હજાર રૂપિયા રોકડ અને મોબાઈલ સહિત રૂ ૬૭ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.અ અન્ય એક બનાવમાં મોરબીના મકરાણી વાસ વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સમાજ વાડી પાસેની શેરીમાં સટ્ટો રમતા હુશૈનભાઈ અલારખાભાઈ શેખ અને આસીફ ઉર્ફે નાનો ભાણો સટ્ટો રમતા પોલીસની ઝપટે ચઢી ગયા હતા પોલીસે બન્ને શખ્સ પાસેથી મોબાઈલ અને રોકડ મળી ૧૪,૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો તો ત્રીજા એક બનાવમાં પરા બજાર પાસે આવેલ મિત મોબાઈલ નામની દુકાન પાસે સટ્ટો રમતા અમિતભાઇ શંકરભાઇ તન્ના,આકાશ ઉર્ફે લાલો સુનિલભાઇ કાથરાણીને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ.૧૦,૦૦૦ મોબાઈલ તથા રોકડા રૂ.૫૪૦૦ મળી કુલ કિ.રૂ.૧૫૪૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.
મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાંક વર્ષોથી જુગારની સાથે સાથે અલગ અલગ રમતો અને વસ્તુઓના ભાવ પર સટ્ટો રમવાનું દુષણ વધી ગયું છે આ દુષણનો ભોગ મોટી ઉમરના લોકો અને સુખી સંપન્ન લોકોની સાથે સાથે સગીરવયના બાળકો અને ગરીબ પરીવારના યુવાનો બની રહ્યા છે અને વ્યાજના વિષચક્રમાં આખા પરિવારને લઇ જાય છે ત્યારે આવા દુષણ પણ કાર્યવાહી થાય તે જરુરી બન્યું છે.

