બંગાળની ખાડીમાં તોફાન ‘અસાની’ એક ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. તેની અસર દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘અસાની’ મંગળવારે રાત્રે ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે ત્યારે તે ચક્રવાતી વાવાઝોડામાં બદલાવવાની ધારણા છે.
જ્યારે આજે આંધ્રપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.ચક્રવાતના કારણે સોમવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થયો હતો. ચક્રવાતના પ્રભાવ હેઠળ મંગળવાર સાંજથી દરિયાકાંઠાના ઓડિશાના આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ બંગાળની ખાડી પર ખૂબ જ તીવ્ર સમુદ્રી સ્થિતિ પ્રવર્તે તેવી અપેક્ષા છે, તેથી માછીમારોને મંગળવારથી ઓછામાં ઓછા આગામી બે દિવસ સુધી આ વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પર્યટન પ્રવૃત્તિઓ 13 મે સુધી સ્થગિત કરવાનું પણ સૂચન કર્યું છે.

ચક્રવાત અસાનીના પગલે ચેન્નાઈ એરપોર્ટ પર હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, જયપુર અને મુંબઈ સહિતની 10 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ચક્રવાત અસાનીની અસરને કારણે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને ઓડિશાના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગ તરફથી વાવાઝોડાની ચેતવણીને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકાર એલર્ટ પર છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ચક્રવાત અસાની 10 મેની રાત સુધીમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે.

