રાજ્યમાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે શહેરોની મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. આ માટે તે 108 એમ્બ્યુલન્સનો પણ ઉપયોગ કરતા હોય છે. એક માસ પહેલા રાજ્ય સરકાર દ્વારા આવા દર્દીઓની ગંભીરતા સમજીને એર એમ્બ્યુલન્સનો પ્રારંભ કરાવ્યો હતો. જેના મારફતે રાજકોટના એક દર્દીને ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. એર એમ્બ્યુલન્સની મદદથી ગંભીર રોગના દર્દીઓ સરળતાથી એકથી બીજા શહેરમાં પહોંચી શકે છે અને તેનું જીવન પણ બચાવી શકાય છે.

ગત માસે રાજ્ય સરકાર દ્વારા 108 સેવામાં હવાઈ સેવાને સામેલ કરી એર એમ્બ્યુલન્સ શરુ કરવામાં આવી હતી. આ સેવાનો લાભ લેનાર પ્રથમ દર્દી રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ જયકુમાર મકવાણા છે કે જેઓ ફેફસાની બીમારીથી પીડાતા હતા અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી તેઓને વધુ સારવાર માટે ચેન્નાઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલી એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં.

રાજકોટ 108ના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગરે જણાવ્યું હતું કે, એર એમ્બ્યુલન્સ અમદાવાદથી આવે છે. જયારે ખાનગી એમ્બ્યુલન્સ મુંબઈ, દિલ્હી કે ચેન્નઈથી આવે તો તેમનું એરફેર વધી જાય તેમજ સમય પણ વધુ લાગે, જયારે અમદાવાદથી આવતી એર એબ્યુલન્સ ખુબ ઝડપથી ગુજરાતમાં કોઈપણ સ્થળે પહોંચી શકે. વળી રાજ્ય સરકાર દ્વારા આ સેવા કાર્યરત હોઈ એરપોર્ટ પર અપ્રુવલ પણ ઝડપથી મળી જાય. સૌપ્રથમ 108માં કોલ કરવો પડે છે. કોલ સેન્ટરમાં એર એમ્બ્યુલનસ સેવાનો લાભ લેવા માટે માહિતી આપવી પડે છે. દર્દી હવાઈ મુસાફરી માટે ફિટ છે. તે સર્ટિફિકેટ ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે પછી જ આ સેવાનો લાભ મેળવી શકે છે. આ સેવાનો લાભ મેળવવા માટે દર્દીને એરપોર્ટથી એરપોર્ટનો ચાર્જ ચૂકવવો પડે છે. એરપોર્ટ સુધી પહોંચવા માટે 108 વાનની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ છે.

