ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. દરેક રાજકીય પક્ષ જે તે સેન્ટરમાં મજબુત થવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. કાર્યકર્તાથી લઈને આગેવાનો સુધી સૌ કોઈ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી બાજું રવિવારે તા.1 મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે આમ આદમી પાર્ટી અને BTPએ ભરૂતમાં ગઠબંધન કર્યું હતું. પણ કોંગ્રેસ BTPને લઈને આશા સેવી રહી છે.
આમ આદમી પાર્ટી અને BTPના ગઠબંધન વચ્ચે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે એવું જણાવ્યું કે, થોડી રાહ જોવો. ગુજરાતમાં ભાજપ સામે તમામ પાર્ટીઓ એક થઈને લડશે. હાલમાં તો દરેક રાજકીય પાર્ટીની નજર આદિવાસી વોટબેંક પર છે. એમાં કોંગ્રેસને સૌથી વધારે આશા છે. ભરતસિંહના આ નિવેદન બાદ રાજકીય લોબીમાં વલણ પલટે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. જોકે, ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના જૂના કહેવાતા જોગીઓ સક્રિય થઈ રહ્યા છે. એક પછી એક મુદ્દાઓ લઈને મીડિયા સામે આવી રહ્યા છે. પણ હકીકત એવી પણ છે કે, કોંગ્રેસ પણ જિલ્લાઓમાં મજબુત થવા માટે કમરકસી રહી છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં જ્યાં એક સમયે કોંગ્રેસને દબદબો મનાતો હતો એને ફરીથી પ્રાપ્ત કરી શાસન કરવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસમાં પ્રચાર અંગે વ્યૂહરચના ચાલું કરી દેવામાં આવી છે. દિલ્હીથી ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલે કહ્યું કે, વધુને વધુ ગુજરાતની પ્રજા આમ આદમી પાર્ટીમાં જોડાય. ભરૂચના ચંદેરીયાના વ્હાઈટ હાઉસ ખાતે AAP અને BTP વચ્ચે ગઠબંધ થયું હતું. જેમાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પર આકરા ચાબખા માર્યા હતા.

