મોરબીમાં વાહન ચોરીની બનાવ ખુબ વધ્યા છે ખાસ કરીને બાઈક ચોરી કરતી ગેંગ સક્રિય હોય ત્યારે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા વાહન ચોરીના ગુન્હા ઉકેલવા આપેલ આદેશને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી સાથે સાથે બાતમદારોને પણ આ અંગે નજર રાખવા એલર્ટ કર્યા હતા દરમિયાન એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ રાણા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નાની કેનાલ પાસે નમ્બર પ્લેટ વિનાની મોપેડ લઈ 2 શખ્સ ફરતા હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી દરમિયાન મોપેડ ચાલકને રોકાવી પૂછપરછ કરતા એકે પોતાનું નામ બલુભાઈ દેવજી વરૈયા અને રાજકોટ ભાવનગર રોડ વિસ્તારમાં રહેતા હોવાનું જણાવ્યું હતું તો બીજા વ્યક્તિ નું નામ ડાયાભાઈ અમરશી ભાઈ વડેચા રહે આદિપુર અંજાર રોડ જિલ્લો કચ્છ જણાવ્યું હતું જોકે તેની પાસેના મોપેડના કોઈ કાગળ ન હોવાનું અને મોપેડ અંગે યોગ્ય માહિતી ન આપતા પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી તપાસ કરતા બાઈક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા શાક માર્કેટ વિસ્તારમાથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
પોલીસે બન્ને આરોપીની તપાસ હાથ ધરતા આ બન્ને શખ્સે બીજા આરોપીઓ સાથે મળી એક બે નહિ પણ 23 જેટલા ટીવીએસ મોપેડની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આરોપીઓએ ચોરી કરેલ મોપેડ માંથી 11 નાની વાવડી ગામ નજીક આવેલ કબીર આશ્રમ નજીક બાવળની જાળીમાં ફેંકી દીધા હતા તો 7 જેટલા મોપેડ ગાંધીધામના રહેણાંક મકાનમાં છુપાવ્યા હતા જ્યારે 3 મોપેડ વેચી માર્યા હતા. પોલીસે આ મોપેડ ચોરી કરતા બાલુ દેવજી વારૈયા,ડાયા અમરશી વડેચા,રમેશ ચતુર પટ્ટણી, દેવજી રમેશ કુંવરિયા અને કાંતિ બાબુ વડેચાને ઝડપી લીધા હતા તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી ચોરી કરેલ 23 મોપેડ જપ્ત કર્યા હતા.

