મહાનગર અમદાવાદમાંથી મહિલા પર થતા અત્યાચારની ઘટનાઓ સમયાંતરે સામે આવે છે. અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ઘરકંકાસ અંગેની ફરિયાદ થઈ છે. જેમાં 33 વર્ષની પરિણીતાએ લગ્નના 15 દિવસ બાદ જ પતિ, સાસુ, દેરાણી, દિયર તથા નણંદ સામે ફરિયાદ કરી છે. ફરિયાદ અનુસાર મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ સાસરિયાવાળા આપતા હતા.
સાસરિયા વાળા પતિને મહિલાની વિરૂદ્ધમાં ભડકાવતા હતા. જેના કારણે પતિ ગાળો દીઈને પત્નીને ઢોરમાર મારતો હતો. આવા ત્રાસને કારણે મહિલા અનેક વખત પીયર જતી રહી હતી.પછી સાસરિયાઓ સમાધાન કરીને પરત લઈ આવતા હતા. પતિ મોડી રાત્રે આવીને પણ પત્ની પર હાથ ઉપાડતો હતો. મહિલાને એના પતિએ લગ્નમાં જવા ન દેતા મહિલાએ ફીનાઈલ પીને આત્મહત્યા કરવા માટે પ્રયાસ કર્યો હતો. મહિલાની દેરાણીએ કહ્યું હતું કે, તું તારા પતિને ખુશ રાખી શકતી નથી. તેથી અહીંથી તું જતી રહે. આમ વારંવાર એને ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે આવા ત્રાસથી ત્રાસી જઈને મહિલાએ અમરાઈ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, પોલીસે પણ આ કેસમાં ફરિયાદ લઈને સાસરિયાવાળા સામે કાયદેસરના પગલાં લીધા છે. મહાનગરમાંથી દિવસે દિવસે ઘરકંકાસની ફરિયાદ વધી રહી છે. ખાસ કરીને લગ્ન બાદ કરિયાવરમાં કંઈ લાવી નથી એવું કહીને ત્રાસ દેવામાં આવે છે. સતત અને સખત રીતે વધી રહેલી આ પ્રકારની ફરિયાદ સમાજ માટે પણ ચિંતાજનક છે.
એક બાજુ રાજ્યમાં સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે. પણ ગૃહકંકાસના વધી રહેલા કેસ સાક્ષી છે કે, ઘરનાં આંતરિક ડખા કોર્ટ સુધી પહોંચી રહ્યા છે. પોલીસે આ કેસમાં સાસરિયાના તમામ પક્ષોની પૂછપરછ કરવાનું શરૂ કરી દીધું છે. આખરે ત્રાસ આપવા પાછળ કોને શું પેટમાં દુઃખતું હતું એ હવે સામે આવશે. આ કેસમાં મહિલા પોલીસની પણ ખાસ મદદ લેવામાં આવી હતી.

