ગુજરાતમાં દિવસે દિવસે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસ સુધી મલાકાત લીધા બાદ ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતા કૈલાશ વિજ્યવર્ગીય ગુજરાત આવ્યા એ પછી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તા.29 એપ્રિલથી ત્રણ દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

ગુજરાતમાં રાજકીય નેતાઓની મુલાકાત દિવસે દિવસે વધી રહી છે. જે.પી.નડ્ડા પક્ષની સ્થિતિને ધ્યાને લઈને ગાંધીનગર પ્રદેશ કાર્યાલયે એક મહત્ત્વની બેઠક કરવાના છે. આ માટેની તૈયારીઓ પણ ગાંધીનગરમાં થઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક કરશે. જેમાં જે તે પ્રદેશના હોદ્દેદાર પણ ભાગ લેશે. આ ઉપરાંત મંત્રીમંડળના સભ્ય સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એ પછી GMDC ખાતે મંડળ સ્તરના કાર્યકર્તાઓ સાથે પણ સંમેલન કરવાના છે. એ પછી તા.29 એપ્રિલે સાંજે વડોદરા ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં પણ ખાસ હાજરી આપશે. જ્યારે તા.30 એપ્રિલના રોજ સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. તા.1 મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે ગુજરાતની ઉજવણીમાં પણ તેઓ ભાગ લેવાના છે. એ પછી તા.30 એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદ આવ્યા બાદ અમિત શાહ પંચમહાલ અને દાહોદ જવાના છે. આ ઉપરાંત ગાંધીનગરના એક ખાસ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના એક કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન પંચમહાલ ડેરી તથા PDC બેંકના કાર્યક્રમમાં પણ ખાસ હાજરી આપશે.

તા.1 મેંના રોજ આમ આદમી પાર્ટી સુપ્રીમ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતના કોઈ મહાનગરમાં પ્રવાસ કરે એવી પૂરી શક્યતાઓ છે. ગુજરાતમાં આવી તેઓ એક સભાને સંબોધન પણ કરવાના છે. જોકે, આટલા મોટા રાજકીય નેતાઓની ગુજરાતમાં દોડાદોડી પરથી એક વાત નક્કી છે કે, ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આવનારા દિવસોમાં વધુ પ્રચારકો ગુજરાતમાં જે તે પાર્ટીનો પ્રચાર કરવા આવે તો નવાઈ ની વાત નથી.

