HomeGujaratનિર્માણાધીન બ્રીજ બેસી ગયો,રસ્તાની કામગીરી સામે ફરી સવાલ શરૂ

નિર્માણાધીન બ્રીજ બેસી ગયો,રસ્તાની કામગીરી સામે ફરી સવાલ શરૂ

અમદાવાદ બાદ મહેસાણા ઊંઝા હાઈવે પર નિર્માણાધીન બ્રીજ જમીનદોસ્ત થયો છે. જેને લઈને કોંગ્રેસને દોડવું હતું ને ઢાળ મળ્યો હોય એવો મોકો મળ્યો છે. મહેસાણા ઊંઝા હાઈવે પર રૂપેણ નદી પર બ્રીજનું કામ ચાલું છે. પણ બ્રીજનો કેટલોક ભાગ બેસી જતા કંપનીની કામગીરી અને ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે, બ્રીજ તૈયાર કરવામાં હલકી ગુણવત્તાનો માલ ઉપયોગમાં લેવાયો છે. આ સમગ્ર બ્રીજનું કામ રણજીત બિલ્ડકોનને આપવામાં આવ્યું છે.

મહેસાણા ઊંઝા વચ્ચે રૂપેણ નદી પર તૈયાર થતો બ્રીજ લોકો માટે ઉપયોગમાં આવે એ પહેલા બ્રીજનો એક બાજુનો ભાગ બેસી જતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ (મહેસાણા) ભૌતિક ભટ્ટએ જણાવ્યું કે, રણજીત બિલ્ડકોન સામે રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી તથા કલેક્ટરને કાયદેસરની રજૂઆત કરાઈ છે. નબળી કામગીરી છતાં રણજીત બિલ્ડકોનને કેમ ટેન્ડર અપાય છે.આ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. બ્રીજ સંપૂર્ણ બનીને તૈયાર થયા એ પહેલા જ બ્રીજનો કેટલોક ભાગ જમીનદોસ્ત થઈ ગયો હતો. કંપની સામે હલકી ગુણવત્તાની કામગીરી થઈ છે એવા આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. આ કંપનીનો બ્રીજ અમદાવાદમાં પણ તૂટી પડ્યો હતો. અમદાવાદના બોપલ વિસ્તારમાં બનાવેલો પૂલ તૂટી પડ્યો હતો.

આ ઉપરાંત બલોલ કારલી હેડુંવાથી બહુચરાજી સુધી જે રસ્તો તૈયાર કરાયો હતો એ પણ આ કંપનીએ કર્યો હતો. જે વરસાદ પડે એ પહેલા જ મગરમચ્છની પીઠ સમાન બની ગયો હતો. ગયા વર્ષે મહેસાણાના નુગર બાયપાસ પાસે આજ કંપનીએ બનાવેલો બ્રીજ તૂટી પડ્યો હતો. તૈયાર થયા બાદ આ બ્રીજ પર કોઈ હોનારત થાય તો જવાબદાર કોણ? આ કંપની સામે કોઈ પગલાં નહીં લેવાય તો અમે પ્રજાનું હિત ધ્યાને લઈને આંદોલન કરીશું. મહેસાણા જિલ્લા ક્લેક્ટર ઉદિત અગ્રવાલનો સંપર્ક કરવા માટે પ્રયાસ કરાયો ત્યારે તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું છે.

જ્યારે પ્રોજેક્ટ અધિકારી ભાર્ગવ શુકલએ પણ ફોન ઉપાડ્યો નથી. આ ઘટના જ્યારે પણ બને છે ત્યારે અધિકારીઓ જવાબ દેવાનું ટાળતા હોય છે. કંપની મહેસાણા અને પાલનપુર વચ્ચે પણ રસ્તો તૈયાર કરી રહી છે. જોકે, ભ્રષ્ટાચાર અને કેવો વિકાસ થયો છે એની પોલ ચોમાસામાં ખુલી પડી જાય છે. રસ્તાનું ધોવાણ થઈ જાય છે. તો ક્યારેક બ્રીજ તૈયાર થાય એ પહેલા જ પડી જાય છે. આવી જ રીતે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર અને હલકા કામ થતા રહ્યા તો પ્રજાની હાડમારી વધશે અને તંત્રનો ખર્ચો વધશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW