કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા ડાકોરમાં ઠાકોરના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે દાવો કર્યો હતો કે, વર્ષ 2022માં ગાંધીનગરમાં કોંગ્રેસનો ઝંડો લહેરાશે. 27 વર્ષ બાદ કોંગ્રેસ ભાજપને જાકારો આપશે. આ સિવાય પક્ષમાં કોઈ પ્રકારના મતભેદ ન હોવાની વાત કહી છે. કોંગ્રેસ એકજુથ હોવાનો દાવો કર્યો હતો. આ સાથે તેમણે એવી પણ ચોખવટ કરી કે, જો મનભેદ હોય તો અમે બેસીને એનું સમાધાન કરી નાંખીએ છીએ. કોંગ્રેસ તૂટવા અંગે તેમણે કહ્યું કે, આવું આવવા જવાનું તો ચાલતું રહેવાનું. કોંગ્રેસની વિચારધારામાં એક દમ છે. ભાજપની લાલચમાં જે તે લોકો જાય છે. એને જનતા સારી રીતે જાણે છે. પણ એનાથી કોંગ્રેસ પક્ષને કોઈ ફેર નથી પડવાનો.
કોંગ્રેસ ભાજપ મુક્ત ગુજરાતનો સંકલ્પ લઈને અહીંથી જઈ રહી છે. જ્યારે કોઈ વ્યક્તિને પક્ષની કોઈ કામગીરીથી તકલીફ પડે છે તો અમે શાંતિથી બેસીને ઉકેલ લાવીએ છીએ. કોંગ્રેસ લોકોની વચ્ચે છે લોકોના દિલમાં છે. પ્રજાનું સમર્થન કોંગ્રેસને છે. હવે ગુજરાતની પ્રજાએ નક્કી કરીને રાખ્યું છે કે, રાજ્યમાં કોંગ્રેસની જ સરકાર શાસનમાં લાવવી છે. જોકે, અંદરખાને વિખવાદને કારણે ક્યારેક કોંગ્રેસની પોલીસી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સોમવારે નરેશ પટેલ સંસ્થા સાથે બેઠકમાં જોડાવવાના છે. એમને લઈને થઈ રહેલા સર્વેની કામગીરી પૂર્ણ થવાના તબક્કામાં છે. આ મહિનાના અંત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થાય એવું માનવામાં આવી રહ્યું છે.

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ રાજકારણમાં તાપમાન વધતું જાય છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોટાભાગના લોકોની નજર બે પટેલ આગેવાન પર છે. હાર્દિક પટેલ અને નરેશ પટેલ. દિલ્હીમાં લગ્ન પ્રસંગમાંથી આવ્યા બાદ નરેશ પટેલ ચોખવટ કરી ચૂક્યા છે કે, તેઓ રાજકારણમાં આવશે કે નહીં એ અંગે યોગ્ય સમયે જાહેરાત કરશે. આ પહેલા કોળી, પટેલ સહિત અન્ય સમાજના આગેવાનો નરેશ પટેલ સાથે બેઠક કરી ચૂક્યા છે. તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટાકદના નેતાઓના પણ તેઓ સતત સંપર્કમાં રહ્યા છે.
દિલ્હીથી આવ્યા બાદ કોંગ્રેસના એક મોટા નેતાએ ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે એક ખાસ બેઠક યોજી હતી. દિલ્હીથી પરત ફર્યા બાદ કોંગ્રેસના નેતાઓ ગેલમાં આવી ગયા છે. રવિવારે કોંગ્રેસના નેતા મનહર પટેલ સહિત અન્ય કોંગ્રેસ અગ્રણીઓ નરેશ પટેલની મુલાકાત માટે પહોંચ્યા હતા. બેઠક બાદ મનહર પટેલે દાવો કર્યો હતો કે,કંગ્રેસમાં નરેશ પટેલ જોડાય અને ગુજરાતમાં ફરી પાછા સારા દિવસો આવે. કોંગ્રેસમાં નરેશ પટેલ આવે એવી નાનામાં નાના કાર્યકર્તાને પણ ઈચ્છા છે.

