રાજકોટ કોંગ્રેસમાં સિનિયર નેતાઓ યુવા નેતાને સ્થાન નહીં આપતા વિવાદ સામે આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રતિભા શોધ અભિયાનમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના ઈન્ચાર્જે યુવા નેતાને આમંત્રણ પાઠવ્યું હતું નહીં. જેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું પણ સામે આવ્યું છે. જો કે આ અંગે કોંગ્રેસના નેતાઓ મોં ખોલવા માટે તૈયાર નથી.

આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ, ભાજપ અને આપ દ્વારા એડીચોટીનું જોર લગાડાઈ રહ્યું છે. પરંતુ કોંગ્રેસમાં છાશવારે જૂથવાદ ચરમસીમાએ આવી રહ્યો છે. આજે રાજકોટમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રતિભા શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સત્તા પક્ષની નીતિઓના વિરોધમાં લોકોને સાથે રાખીને મજબૂત લડત આપવામાં આવશે. જ્યાં આ અભિયાનમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના ઈન્ચાર્જ ડો. હેમાંગ વસાવડાએ યુવા નેતા રાજદીપસિંહ ઝાલાને આમંત્રણ નહીં આપતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાનું સામે આવ્યું છે.


રાજકોટમાં આજથી આ અભિયાન શરુ થયું છે. જે અંગે કોંગ્રેસ અગ્રણી ડો.નિદત્ત બારોટે જણાવ્યું હતું કે, ડો. હેમાંગ વસાવડા અને યુથ કોંગ્રેસ વચ્ચે કોઈ વિવાદ થયો નથી. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા લોકો સુધી પહોંચવા અને વધુમાં વધુ લોકોને કોંગ્રેસમાં જોડવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અને તેમાં યુથ કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા છે. આ અભિયાનમાં મૌલિક વિચારો, અસરકારક લેખન શક્તિ અને આગવી વાકછટા દ્વારા કોંગ્રેસ પક્ષની વિચારધારા જન-જન સુધી પહોંચાડવા અને સત્તા પક્ષની જનહિત વિરોધી નીતિઓના વિરોધમાં મજબૂત લડત આપી શકે તેવા લોકો માટે પ્રતિભા શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

