મોરબીમાં આરોગ્ય સુવિધા વધુને વધુ બહેતર કરવાના દાવા કરતી સરકાર ખાનગી સંસ્થાઓ પર નિર્ભર બની ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કારણ કે 2020માં રાજય સરકારે મોરબી સહિત 8 જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ આપવાની જાહેરાત કરી હતી જેના માટે શનાળા રોડ પર જિલ્લા કલેકટર દ્વારા જમીન પણ ફાળવી દેવામાં આવી હતી જોકે છેલ્લી ઘડીએ સરકારે તેમાં ફેરફાર કરી મોરબી જિલ્લાને ફાળવામાં આવેલ ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ તાપી જિલ્લાને ફાળવી દેવામાં આવી હોવાનો એક પરિપત્ર કર્યો હતો. જ્યારે મોરબી જિલ્લામાં બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવા નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી મોરબી જિલ્લાને મળનારી સરકારી મેડિકલ કોલેજના દરવાજા બંધ થઈ ગયા છે અને તેના બદલે લાખો રૂપિયાની ફી વસુલ કરી મેડિકલ શિક્ષણ આપતી ખાનગી સંસ્થાઓને મોકળું મેદાન આપી દીધું છે આ ઉપરાંત બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ સામાન્ય રીતે જે તે જિલ્લાની હોસ્પિટલને મેડિકલ કોલેજ કમ પબ્લિક હોસ્પિટલમાં રૂપાંતર કરવાંમાં આવતું હોય છે આ બ્રાઉન ફિલ્ડ કોલેજની સ્થાપના બાદ એવી પણ શકયતા સેવાઈ રહી છે કે કચ્છ જિલ્લાની ભુજ હોસ્પિટલને જે રીતે બ્રાઉન કોલેજ તરીકે મંજૂરી અપાયા બાદ હોસ્પિટલનું સંચાલન પણ અદાણી ગ્રુપને સોંપી દેવામાં આવ્યું હતી તે રીતે મોરબીની સિવિલ હોસ્પિટલ પણ એક ખાનગી સંસ્થાને સોપી દેવામાં આવી શકે છે. આ માટે રાજ્ય સરકારના કમિશ્નર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અખબારમાં જાહેરાત આપી ખાનગી સંસ્થા પાસે દરખાસ્ત મગાવવામાં આવી હતી જોકે પ્રથમ વખતે જે જાહેરાત આપી હતી તેમાંથી માત્ર એક બે સંસ્થાઓએ રસ દાખવતા ફરીવાર આ પ્રકારે અરજી મગાવવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે
વિધાન સભાની પેટા ચૂંટણી પહેલા મોરબીને સરકારી મેડીકલ કોલેજની જાહેરાત કરી તેની જમીન ફાળવી દેવાઈ અને તેના નામે લોકો પાસેથી મત પણ માગી લીધા બાદ આ મેડિકલ કોલેજ શરૂ કરવાના સમયે ખાનગી સંસ્થાઓને સોપવાની જાહેરાત થતા જ મોરબીની જનતા સાથે જાણે સરકારે છેતરપીડી કરી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે થઈ ગઈ છે. જો કે, હાલમાં મોરબીને થયેલા હળહળતા અન્યાય મુદ્દે કોંગ્રેસ,આમ આદમી પાર્ટી, કડવા પાટીદાર કન્યા કેળવણી સંસ્થા,પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ખુદ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે અને કોંગ્રેસ દ્વારા તો છ દિવસના ધરણા કરવામાં આવી રહ્યા છે
રાજ્ય સરકારની મેડિકલ પોલિસી પ્રજા કે આમ જનતા નહીં પરંતુ ખાનગી સંસ્થાને ફાયદો થાય તેવી લાગે છે અને ખાનગી સંસ્થાને સહાય આપવાની યોજના પણ બનાવી છે. સરકારના પરિપત્ર મુજબ બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજના સંચાલકોને વિદ્યાર્થી દીઠ દર વર્ષે 7.5 લાખ સહાય પાંચ વર્ષ સુધી આપવાની જોગવાઈ કરવામાં આવી છે તે જોતા જો મોરબીમાં ફક્ત 100 બેઠકની મેડિકલ કોલેજ મંજુર થાય તો પણ પ્રથમ વર્ષના 7.5 કરોડ રૂપિયા સંસ્થાને મળે અને પાંચ વર્ષનો હિસાબ કરવામાં આવે તો 100 બેઠકની મેડિકલ કોલેજની ગણતરી કરતા 112 કરોડ રૂપિયા ખાનગી સંસ્થાને સરકાર તરફથી મળી શકે છે.

