સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં હનુમાન જયંતિની અનોખી ઉજવણી કરાઈ છે. શહેરના રાજમાર્ગ ઉપર જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રા નીકળી હતી. તેમજ તમામ હનુમાન મંદિરોમાં સવારથી જ ભાવિકોની ભીડ ઉમટી પડી હતી.

રાજકોટ બાલાજી મંદિર દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેદારનાથ મંદિરની આબેહૂબ કૃતિ બનાવવામાં આવી હતી. જે શોભાયાત્રામાં જોડાઇ હતી. તેમજ અવનવા ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરના વિવિધ હનુમાનજી મંદિરમાં સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી રહ્યા છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાર, ટુવ્હીલર જોડાયા હતા. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને જયશ્રી રામ, જય બજરંગબલીના નાદ લગાવવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં ચોકલેટ અને મિલ્કની મિઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગોંડલમાં 300 વર્ષ પૌરાણિક તરકોશી હનુમાન મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે. તેમજ હનુમાનજી મહારાજને આકર્ષિત વાઘા પહેરાવામાં આવ્યા છે. દરેક મંદિરોમાં હનુમાનજીને અલગ અલગ શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળી રહી છે. હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર તરકોશી હનુમાનજી મંદિર છે.

