અમદાવાદ મહાનગર પાલિકાની સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં અભ્યાસ કરાવતા શિક્ષકો અને પેન્શનરોનો પગાર તા.1ના રોજ થવાનો હતો જે હજુ થયું નથી. આ કારણે શિક્ષકગણ રોષે ભરાયો છે.
આ તમામ શિક્ષકોનું કહેવું છે કે, પગાર ન થતા ઘરનો ખર્ચો કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. બેન્કમાંથી લીધેલી લોનના હપ્તા ભરવામાં તકલીફ પડે છે. જ્યારે અમદાવાદના શાસનાધિકારીએ કહ્યું કે, તા.15 એપ્રિલ સુધી પગાર થઇ જશે. સરકારી શાળાઓમાં સામાન્ય રીતે પગારનો મુદ્દો સૌથી વધારે સંવેદનશીલ રહે છે.
માર્ચ મહિનો હોવાથી પગાર બેથી ત્રણ દિવસ મોડો થવાની પૂરી શક્યાતો સેવાઈ રહી હતી. પણ બે બે અઠવાડિયા સુધી કોઈ પગાર ન મળતા શિક્ષકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. લોનના હપ્તા ભરવામાં રીતસરની મુશ્કેલી પડી રહી છે. હજું પણ 4200 અને 6000 પેન્શનરોનો પગાર તેમજ પેન્શન હજુ પણ બાકી છે. આ વિષય પર જ્યારે શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલને પ્રશ્ન કરવામાં આવ્યા હતા. મનોજ પટેલે કહ્યું કે, પગાર થયો નથી હજું સુધી ગ્રાન્ટ મેમો પણ આપ્યો નથી. ગ્રાન્ટ મેમો આવ્યા બાદ ત્રણથી ચાર દિવસમાં પગાર થતા હોય છે. આ સ્થિતિ જોતા હવે તા.20 સુધીમાં કોઈ પગાર થાય એવું લાગતું નથી. બીજી બાજુ શિક્ષકોની આર્થિક મુશ્કેલી વધી રહી છે.

આ મુદ્દા પર વિચાર કરીને સરકાર કોઈ નિર્ણય કરે. આ મામલે જ્યારે શાસનાધિકારી એલ.ડી.દેસાઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, માર્ચ મહિનો હિસાબી મહિનો છે. કેટલાક વહીવટી કારણોસર પગાર થયો નથી. પણ તા.15 એપ્રિલ સુધીમાં થઈ જશે. સરકારી સ્કૂલમાં પગાર મોડો થયો હોય એવો આ પહેલો કેસ નથી. આ ઉપરાંત જુદા જુદા ફંડ મામલે પણ લાંબા સમય સુધી રાહ જોવાનો વારો આવ્યો હોય એવા કેટલાય કિસ્સાઓ છે.
શાહપુર કોર્પોરેશન સ્કૂલ જે અમદાવાદ પબ્લિક સ્કૂલના નામથી ઓળખાય છે. આ એ જ સ્કૂલ છે જેમાં ગત વર્ષે પ્રવેશ લેવા 30 કરતા વધુ નેતાઓની ભલામણ આવી હતી. કોરોનાકાળ અને સ્કૂલના સુધરી રહેલા શિક્ષણને ધ્યાને લઈને એડમિશન સંખ્યા વધારવામાં આવી હતી. એક રીપોર્ટ અનુસાર 15 દિવસમાં 16,000 કરતા વધુ એડમિશન ધોરણ 1માં થયા હતા. જ્યારે ખાનગી સ્કૂલની તુલનામાં આ સ્કૂલનો રેશિયો ઘણો વધારે રહ્યો હતો.

