રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસા મુદ્દે એક હાઈલેવલ મિટિંગ બોલાવી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી, DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ, ચીફ સેક્રેટરી અને ગૃહસચિવને ખાસ હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. હિંમતનગર શહેરમાં રામનવમી નિમિતે યોજાયેલી શાભાયાત્રામાં પથ્થરમારો કરવામાં આવતા મામલો ગરમાયો હતો. ત્યાર બાદ રાજ્યનું ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર સક્રિય થઈ ગયું હતું.

હિંમતનગર જ નહીં ત્રણ જિલ્લાની પોલીસ, RAF અને SRPનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પરિસ્થિતિને થાળે પાડી કોઈ પ્રકારના તોફાન ન થાય એ માટે જિલ્લા પોલીસવડા અને કલેકટરની આગેવાની એક બેઠક યોજાઈ હતી. પણ પાંચ કલાક બાદ મોડી રાત્રે વણઝારા વાસમાં ફરી હિંસા થતા પેટ્રોલ બોંબ ફેંકાયા હતા. જેના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ છે. આ ઘટનાને પગલે રાજ્ય પોલીસવડા અને ગૃહ રાજ્યમંત્રી હિંમતનગર જવા માટે નીકળ્યા હતા. પોલીસ સાથેની બેઠક થયા બાદ પણ તોફાન થતા તંત્રની ચિંતા વધી ગઈ હતી. સ્થિતિ વણસતા લોકો ભયને કારાણે શહેર છોડીને જઈ રહ્યા છે. 50થી વધારે પરિવાર બાળકો તથા ઘરવખરી સહિત પલાયન થઈ રહ્યા છે.

હિંમતનગરના વણઝારાવાસમાં અથડામણ બાદ કેટલાય પરિવાર હિજરત કરી રહ્યા છે. તેઓ પોતાના ઘરે તાળું મારીને બીજે રહેવા માટે નીકળ્યા છે. જોકે, પોલીસે ઘર છોડીને ન જવા માટે સમજાવ્યા હતા. એ સમયે રહીશોએ માલ સમાન ચોરી થઈ જાય છે એવી વાત કહી હતી. વણઝારા વાસમાં રહેતા લોકોનું એવું કહેવું છે કે, રાત્રે ચાંદનગર અને હસનગરના લોકોએ એકાએક હુમલો કર્યો હતો. આ બે વિસ્તારમાંથી ટોળું ધસી આવ્યા હતું. પેટ્રોલ બોંબના ઘા કરીને બે ઓરડીને આંગચંપી કરી.

જોકે, પોલીસે વણઝારાવાસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત લાગુ કરી દીધો છે. હુમલો કરનારા લોકોને શોધીને એની ધરપકડ કરવામાં આવી રહી છે. હિંમતનગર એસપી ઓફિસ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. હાલ રાજ્ય પોલીસવડા અને ગૃહ રાજયમંત્રી હિંમતનગર પહોંચી ગયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા, ડીજી લો એન્ડ ઓડર નરસિમ્હા, રેન્જ આઈજી અભય ચૂડાસમા, એસપી સહિતના ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારીઓ હાજર રહેશે. એમાં સ્થાનિક આગેવાનો પણ જોડાશે.

