રાજ્યમાંથી અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં ઘોડા ડૉક્ટર ઝડપાયા હોય. પણ રાજકોટમાંથી એક નકલી તબીબ પકડાયો છે જેને ઘોડા ડૉક્ટર બનવામાં પણ જાણે ફાવટ આવી ગઈ હોય એવું લાગે છે. આ નકલી તબીબ રાજકોટમાંથી સતત ત્રીજી વખત પકડાયો છે. બે વખત ઝડપાયા બાદ પણ તેણે દવાખાનું ચાલું કરીને હિંમતવાળું કામ કર્યું હતુ. શુક્રવારે એક તપાસ દરમિયાન આ લેભાગુ તબીબ મેડિકલના સાધન તથા કેટલીક સામાન્ય દવા સાથે ઝડપાયો છે.
રાજકોટ શહેરના 25 વારિયા મેઈન રોડ પર હનુમાનજીના મંદિર પાસે એક રૂમમાં ડિગ્રી વગરનો તબીબ ઝડપાયો છે. પોલીસને આ વાતની એક ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે એના ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. આ વ્યક્તિ મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું જાણવા મળ્યું છે. જેનું નામ નીપુ કુમોદરંજન મલિક છે. મેડિકલની કોઈ પ્રકારીની ડિગ્રી તે ધરાવતો નથી. છતાં પ્રેક્ટિસ કરવા માટે હાટડી ખોલી નાંખી હતી. પોલીસે જ્યારે એમનું એજ્યુકેશન પૂછ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. નીપુ માત્ર આઠ ધોરણ સુધી ભણેલો છે. તેમ છતાં નકલી તબીબ બનીને એલોપતી દવા તથા ઈન્જેક્શન આપી દેતો હતો. પોલીસે એમની પાસેથી કુલ રૂ.2762 ની કિંમતની દવાઓ પણ કબજે કરી છે. પોલીસે જ્યારે પોતાના ચોપડા તપાસ્યા ત્યારે જાણવા મળ્યું કે, તે સમયાંતરે આ ત્રીજી વખત ઝડપાયો છે. બે વખત પકડાયા હોવા છતાં તેમે પોતાની પ્રેક્ટિસ હિંમતભેર શરૂ કરી. દાદ દેવી પડી આ વ્યક્તિને. છતાં તે નકલી ડૉક્ટર બનીને દર્દીના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે જ્યારે એમની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, તે પશ્ચિમ બંગાળમાં એક ડૉક્ટરને ત્યાં નોકરી કરતો હતો.
ત્યાંથી પ્રાથમિક નોલેજ મેળવીને તેણે આ ધંધો ચાલું કર્યો હતો. રાજકોટ આવ્યા બાદ બીજું કોઈ કામ કરવાના બદલે તબીબ બની ગયો હતો. વર્ષ 2020માં આજીડેમ પોલીસે વર્ષ 2021માં ક્રાઇમબ્રાંચે અને હવે ફરી આજી ડેમ પોલીસના હાથે પકડાયો છે. જોકે, રાજકોટ જિલ્લામાં તપાસ કરવામાં આવે તો આવા નકલી તબીબોની કમી નથી. આ પહેલા રાજકોટના ભક્તિનગર વિસ્તારમાંથી એક તબીબ ઝડપાયો હતો.

