રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદો હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે. ત્યારે આજે હાઈકોર્ટે એક અરજીને ફગાવી દીધી છે. સુનવણીમાં હાઈકોર્ટે ઢોરની તકેદારી રાખવાની જવાબદારી જે-તે પશુમાલિકોની જ હોવાનું જણાવ્યું છે. તેમજ મુંગા પશુઓને રખડતા મુકી ઢોર માલિકો પોતાની સામાજિક અને નૈતિક જવાબદારીમાંથી છટકે તે ચલાવી લેવાય નહીં તેવી ટકોર પણ કરી છે.

હાઈકોર્ટમાં રખડતા ઢોર મુદ્દે થયેલી વધુ એક અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે સુનવણી દરમયાન કેટલાક મહત્વપૂર્ણ અવલોકન પણ કર્યાં છે. કોર્ટે પશુઓના માલિકોને ટકોર પણ કરી છે. વડોદરાના એક અરજદાર દ્વારા કરવામાં આવેલી પીઆઈએલ મામલે કોર્ટે સવાલ કર્યો હતો કે, શું વડોદરા, સુરત અને અમદાવાદમાં ગૌચર લેન્ડને અવકાશ છે? કોર્ટે પશુઓના માલિકોને ટકોરતાં કહ્યું હતું કે, મુંગા પશુઓને રખડતા મુકી ઢોર માલિકો પોતાની સામાજિક અને નૈતિક જવાબદારીમાંથી છટકવા માંગે છે તે ચલાવી શકાય નહીં.

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રખડતા ઢોરને લઈને વધુ એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જો.કે અરજદારને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ પોતાની માંગને લઈને રજૂઆત કરવા માટેની પરવાનગી આપી અરજીનો નિકાલ કર્યો છે. કોર્ટે કહ્યું કે, પોતાના ઢોરની તકેદારી રાખવાની જવાબદારી પશુ માલિકોની છે. સાથે જ ઢોર માટે પુરતી જગ્યા રાખવાની જવાબદારી પણ ઢોર માલિકની છે. શહેરી વિસ્તારમાં ઢોર રાખી અને તેને રસ્તે રઝળતા મુકવાની છુટ પશુ માલિકોને ન આપી શકાય. મુંગા પશુઓને રઝળતા મુકી ઢોર માલિકો પોતાની સામાજિક અને નૈતિક જવાબદારીમાંથી છટકબાજી ન કરી શકે.

