મોંઘવારી સહિતના મુદ્દે રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. ત્યારે આજે જામનગરમાં કોંગ્રેસના નગરસેવિકાએ એકી સાથે 9થી વધુ ઘેનની ગોળી ગટગટાવી લીધી છે. તેની તબિયત અચાનક લથડતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તો આ ઘટનાને પગલે વિપક્ષી નેતા સહિતના કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલે દોડી ગયાં હતાં.

જામનગરમાં આજે કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસનાં નગરસેવિકા રચનાબેન નંદાણિયાએ 9થી વધુ ઘેનની ગોળીઓ ગટગટાવી લીધી હતી. તબિયત લથડતા કોંગી મહિલા નગરસેવિકાને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાવામાં આવી હતી. રચનાબેન નંદાણીયાએ જણાવ્યું હતું કે, મારે કોઈ ફેમિલી કે આર્થિક પ્રોબલેબ નથી. મારા તમામ પરિવારજનોનો મને ખુબ સપોર્ટ છે. હું સ્લમ વિસ્તારની કોર્પોરેટર છું ત્યારે હું લોકોની વેદના જાણું છું. આજે તેલ, ડીઝલના ભાવ તેમજ પેટ્રોલના ભાવમાં ખુબ વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો હંમેશા કહેતા હોય છે કે વિરોધ પક્ષ કોઈ જાતનો વિરોધ કરતો નથી.


ઘણી બધી બહેનો પણ આજે કહેતી હતી કે, તમે ખાલી ફોટો પાડી અને નારા બાજી લગાવી ચાલ્યા જાઓ છો અને અમારે મરવાનો વારો આવ્યા છે. વ્યાજે પૈસા લેવાના વારા આવ્યા છે. ત્યારે અમે મોંઘવારી મુદ્દે વિરોધ કરી રહ્યા છીએ. આ અંગે શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસી મહિલા કોર્પોરેટરે વિરોધ દરમિયાન જે ઘેનની દવાઓ ગટગટાવી છે એ પોતાના અંગત કારણસર લીધી હશે. આ સમગ્ર મામલામાંથી શહેર કોંગ્રેસ પ્રમુખે હાથ ખંખેરી નાંખ્યા હતા. તથા આ તેમને અંગત મામલો હોવાનું જણાવ્યું હતું.

