લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે રાજકોટનો આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરે છે. મસાલામાં ભેળસેળ થતી હોવાનું આરોગ્ય વિભાગને જાણવા મળતા ટીમ સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા ગઇકાલે શહેરના નાના મોવા સર્કલ પાસે આવેલી શ્રી રામ મસાલા માર્કેટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જીવાત અને ફૂગવાળાં મરચાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. અત્યાર સુધી માત્ર તૈયાર ફૂડમાં ભેળસેળ થતી હોવાના કેસ સામે આવ્યા છે.
પણ મસાલામાં પણ ભેળસેળ થઈ શકે એવું કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. 3,60,000 રૂપિયાની કિંમતનો 3 ટન મરચાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. કેમિકલયુક્ત ઓઈલબેઝ કલર પણ મળી આવ્યો છે. આ જથ્થો ગોંડલથી મગાવી જુદા જુદા માર્કેટમાં વેચતો હોવાની જાણકારી મળી છે. સ્થળ પર અંદાજિત ત્રણ ટન જથ્થો મળ્યો હતો. આ વેપારી દ્વારા 100થી 150 રૂપિયાના ભાવે મસાલો સસ્તા ભાવે ખરીદ્યો હતો. વેપારી દ્વારા 170થી 180ના ભાવે લારી-ગલ્લા તથા મસાલા માર્કેટમા મસાલો વેચતો હતો.

