HomeGujaratપાટીલે રાજકોટને રાજકારણનું એપી સેન્ટર બનાવ્યું, બેઠક અંકે કરવા કાઠિયાવાડમાં દોડાદોડી

પાટીલે રાજકોટને રાજકારણનું એપી સેન્ટર બનાવ્યું, બેઠક અંકે કરવા કાઠિયાવાડમાં દોડાદોડી

જ્યારથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે ત્યારથી એમના હોમટાઉનમાં પ્રદેશ પ્રમુખ પાટીલના ધક્કા વધી ગયા છે. જેના પરથી એવા સંકેત મળે છે કે, વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાની છે. સૌરાષ્ટ્રના પાટનગર સમા શહેર રાજકોટને રાજનીતિનું એપી સેન્ટર બનાવી દીધું હોય એમ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના રાજકોટમાં ધક્કા વધી ગયા છે. તે દરેક સમાજના કાર્યક્રમમાં નિયમિત હાજરી આપતા થયા છે.

મૂળ તો સૌરાષ્ટ્રની બેઠક અંકે કરવા માટે કાઠિયાવાડમાં દોડાદોડી કરી રહ્યા છે. માર્ચ મહિનામાં તેઓ બે વખત રાજકોટમાં આવી ગયા. હવે તા.3 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના સિદસર મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પાટીલની રજતતુલાનો કાર્યક્રમ છે. વારંવાર રાજકોટ-સૌરાષ્ટ્રની મુલાકાતથી રાજકીય ગરમાવો વધી ગયો છે. જાન્યુઆરી મહિનામાં ખોડલધામના પાટોત્સવમાં તેઓ અચાનક પહોંચી ગયા હતા. પાટીદારોને રીઝવવાના કાર્યક્રમમાં ન હોવા છતાં તેમણે ખોડલધામની મુલાકાત લીધી.એ સમયે તેઓ નરેશ પટેલને પણ મળ્યા હતા. પાટોત્સવની તૈયારી પર નજર કરી હતી. એ પછી પટેલ સમાજ આયોજિત સમુહલગ્નમાં આવ્યા હતા. એ પછી ગત રવિવારે પણ તેઓ રાજકોટમાં હતા.

સાગર ગ્રૂપ આયોજિત 101 દીકરીઓના સમુહલગ્નમાં પ્રદેશ પ્રમુખ પાટીલે હાજરી આપી હતી. આ સિવાય મોટાભાગના શનિવાર અને રવિવાર તેઓ રાજકોટમાં હોય છે. સમુહ લગ્નમાં મોટી સંખ્યામાં પાટીદાર નેતા અને આગેવાનો હાજર રહ્યા હતા. રાજકોટ એરપોર્ટ આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે, હવે રાજકોટ વારંવાર આવવાનું થશે. આના પરથી એક વાત એ સ્પષ્ટ થાય છે કે, રાજકોટના રાજકીય માળખાને મજબુત કરવા ખૂટતી કડીને જોડવા માટે પાટીલને ધક્કા ખાવા પડી રહ્યા છે.

આ ઉપરાંત જાતિ-જ્ઞાતિના સમીકરણ જાણવા માટે પણ તેઓ સૌરાષ્ટ્રમાં ધક્કા ખાઈ રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે એ વાત વહેતી થઈ હતી. પણ સાચું ચિત્ર એપ્રિલ મહિનામાં જ ખબર પડશે. એટલે હવે પાટીલ અન્ય પાટીદારોને રીઝવવા માટે સૌરાષ્ટ્ર રાજકોટના ધક્કા ખાઈ રહ્યા છે. પાટીદાર સિવાય પણ બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ તેમજ કોળી સમાજમાં પ્રવર્તતી નારાજગીને દૂર કરવા પ્રયત્નો થઈ રહ્યા છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય જાય તો કડવા પાટીદારના મત એકઠા કરવા પાટીલ હવે મેદાને ઊતર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે. એક સમયે નરેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ. મુખ્યમંત્રી કડવા પાટીદાર છે એટલે સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારોનું ધ્રુવીકરણ કરવા પ્રદેશ પ્રમુખની દોડધામ સૌરાષ્ટ્ર બાજુ વધી ગઈ છે. હાલ આવું ગણિત મનાય રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW